૧.૯થી લઇ ૨.૩ની તીવ્રતા નોંધાઈ
સૌરાષ્ટ્ર-કરછમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે એકબાજુ વરસાદી માહોલ અને કોરોનાના કહેર વચ્ચે જામનગરમાં અને કરછના દૂધઈમાં આંચકા અનુભવાયા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ મોડીરાતે ૧૦:૦૨ કલાકે જામનગરથી ૧૯ કિમી દૂર ૨.૩ રિકટર સ્કેલનો આંચકો સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયો હતો. ત્યારબાદ ૧૦:૪૦ કલાકે કરછના દુધઈથી ૧૦ કિમી દૂર ૨.૧ રિકટર સ્કેલનો આંચકો નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે અને રાતે ૩:૪૪ વગ્યે કરછના દુધઈથી ૧૬ કિમી દૂર ૧.૯ રિકટર સ્કેલનો આંચકો નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયો હતો.
વારંવાર આવતાં ભૂકંપના આચકનું એક કારણ વધુ વરસાદ હોવાનું પણ સામે આવ્યું છે. જો કે ગઈકાલે આવેલા જામનગર અને કરછમાં ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.
વારંવાર આવતા ભુકંપના આંચકાના કારણે લોકો ભયભીત થયા છે. છેલ્લા દોઢ માસથી ગુજરાતમાં વરસાદની સાથો સાથ ભુકંપના આંચકાઓ પણ આવી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વધુ વરસાદ આવ્યો હોય જમીનમાં પાણીનો જથ્થો વધતા દબાણના કારણે ભુકંપ આવી રહ્યા છે જોકે આ ભુકંપ સામાન્ય હોય જેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી અને આ ભુકંપના આંચકાઓ સૌથી વધુ સૌરાષ્ટ્રનાં જામનગર, લાલપુર અને તાલાલા તેમજ કચ્છના દુધઈ, રાપર, ખાવડામાં અનુભવાયા છે જોકે હાલ સૌરાષ્ટ્રમાં કોઈ નવી ફોલ્ટ લાઈન જોવા મળી નથી. ગુજરાતમાં ફકત કચ્છમાં જ ફોલ્ટ લાઈન સક્રિય છે જેથી જમીનમાં કમ્પન થઈ રહ્યું છે.
મુંબઇની ધરા ધ્રુજી ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ
ગુજરાતમાં છેલ્લાં ૨ માસથી ભૂકંપનાં આંચકા આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે ૨:૫૦ કલાકે મુંબઈમાં પણ લોકોએ કંપન અનુભવ્યું હતું. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મુંબઇથી ૧૦૪ કિમી દૂર ઉત્તર પૂર્વમાં ૩.૫ રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે આ ભૂકંપની તીવ્રતા સામાન્ય કરતા વધુ હોય છતાં કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.