માનવતા મરી પરવારી નથી !!!
કોરોનાથી બંધ થતા બારના કર્મચારીઓને ‘નિભાવ’ માટે ૩ હજાર ડોલરની ખેરાત કરી!
યુનાઇટેડ સ્ટેટ્સના ઓહીયો સ્ટેટના મુખ્ય શહેર પૈકી એક ક્લિવલેન્ડમાં માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. અહીં નાઈટ ટાઉન બારમાં બિયરની ખરીદી માટે આવેલા ગ્રહકનું કુલ બિલ ૭ ડોલરનું થયું હતું જ્યારે ગ્રાહકે કુલ ૩૦૦૭ ડોલરની ચુકવણી કરી ૩ હજાર ડોલરની ટીપ બારના કર્મચારીઓને માટે આપી હતી. ઉલ્લેખનીય છે કે, અહીં અનિશ્ચિત સમય માટે લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે.
ક્લિવલેન્ડના નાઈટ ટાઉન બાર ખાતે રવિવારે એક ગ્રાહક બિયર લેવા અર્થે આવ્યો હતો. બિયર લીધા બાદ તેને કુલ ૭ ડોલરનું બિલ આપવામાં આવ્યું હતું. બીલિંગ કાઉન્ટર ખાતે નાઇટ ટાઉન બારન માલિક બ્રેન્ડેન રિંગ પોતે હાજર હતા. ગ્રાહકે બીલની ચુકવણી કાર્ડ મારફત કરી હતી. ચુકવણી કર્યા બાદ ગ્રાહકે રીંગને કહ્યું હતું કે, તેણે આપેલી ટીપ બારમાં કામ કરતા કુલ ૪ કર્મચારીઓને સરખા ભાગે વહેંચી દેવા જણાવી ત્યાંથી નીકળી ગયો હતો. ગ્રાહક બારમાંથી બહાર નીકળ્યો ત્યારબાદ રીંગે પેમેન્ટ રિશીપ પર નજર કરતા ધ્યાને આવ્યું કે, તેણે ૩ હજાર ડોલર (આશરે ૨.૨૫ લાખ રૂપિયા)ની ટીપ આપી હતી. આ બાબત ધ્યાને આવતા રીંગ તરત જ ગ્રાહક તરફ દોડ્યા હતા જ્યાં ગ્રાહકે કહ્યું હતું કે, મેં ટીપ આપવામાં કોઈ ભૂલ કરી નથી, આ ટીપની રકમ કર્મચારીઓને સરખે ભાગે વહેંચી આપજો. જ્યારે ફરીવાર બાર ખુલશે ત્યારે આપણે ફરીવાર મળીશું. સમગ્ર ઘટના અંગે બ્રેન્ડન રિંગએ ફેસબૂક પર વર્ણવી હતી.
બ્રેન્ડને ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે, હું ગ્રાહકનું નામ નહીં લખું કારણ કે, કદાચ એ બાબત મારા ગ્રાહકને નહીં ગમે પરંતુ હું તેનો આભાર જરૂર વ્યક્ત કરીશ. હું અને મારો તમામ કર્મચારીવર્ગ એ વ્યક્તિના આભારી છીએ.