તલ, મગફળી, કપાસ, એરંડા સહિતના પાકમાં ભારે વરસાદને લીધે નુકસાની
હળવદ તાલુકામાં તાજેતરમાં જ બે દિવસ સુધી ભારે વરસાદ પડયો હતો જેમાં ખાસ કરીને ખેતીના પાકમાં નુકસાની થઇ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે હળવદમાં મોટાભાગે કપાસ, મગફળી, એરંડા, તલ સહિતના પાકનું વાવેતર થયેલું છે જોકે વરસાદ રહી ગયો તેના ત્રણ ચાર દિવસ વિતવા છતાં પણ હજુ ઘણા બધા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે તેવામાં ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનો સરવે કરવા માટે હળવદ તાલુકામાં ત્રણ ટીમની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
હળવદ તાલુકામાં વરસેલા ભારે વરસાદ બાદ વિવિધ પાકથી લહેરાતા ખેતરો માં વરસાદી પાણી ભરાઇ ગયા હતા તો સાથે સાથે અમુક જગ્યા ઉપર વરસાદને કારણે ખેતરોનું ધોવાણ થતાં પાકનો સોથ વળી ગયો છે તેમજ ખાસ કરીને રણકાંઠાના ગામોમાં આજે પણ ઘણા બધા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેને કારણે પાક ખેતરમાં જ સુકાવા લાગ્યો છે જેથી વરસાદમાં થયેલી નુકસાનીનો સાચો અંદાજ મેળવવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હળવદ માટે ત્રણ ટીમ બનાવવામાં આવી છે
જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે હજુ ખેતરોમાં અને ખેતરો ને જોડતા રસ્તાઓ માં પાણી ભરેલા હોય જેથી ખેતરોમાં જઈ શકાય તેમ નથી ખેતરોમાં પાણી ઉતરી ગયા બાદ આ ટીમો દ્વારા ખેતીમાં થયેલ નુકસાન અંગે સર્વે હાથ ધરવામાં આવશે.