ભારે વરસાદના કારણે ભયગ્રસ્ત મકાન ખાલી કરવાની સુચનાને અવગણતા સર્જાઈ દુર્ઘટના
એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા બચાવ કામગીરી: ચાર જેસીબી અને પાંચ એમ્બ્યુલન્શની મદદ લેવાય
પોલીસે કડીયાવાડા વિસ્તારને કોર્ડન કરી લીધો ભવનાથ સુધીનો રસ્તા પર વાહનની અવર જવર બંધ કરાવી : દટાયેલાઓને બહાર કાઢવા તંત્ર દ્વારા દોડધામ
જૂનાગઢમાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદના કારણ જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. અને કેટલાય મકાન જર્જરિત બન્યા છે. દાતાર રોડ પર આવેલા કડીયાવાડ વિસ્તારમાં 3 માળનું બિલ્ડીંગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા મકાનની નીચે આવેલી દુકાન અને લારી-ગલ્લાવાળા દસ થી બાર જેટલી વ્યક્તિઓ દટાયાની દુર્ઘટનાના પગલે એનડીઆરએફ, ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી બચાવ રાહત કામગીરી શરુ કરી છે. જેસીબીની મદદથી ધરાશાયી થયેલા મકાનનો કાટમાળ દુર કરી દટાયેવલાઓને બહાર કાઢવાની કવાયત શરુ કરવામાં આવી છે. ઘટના સ્થળે એક સાથે પાંચ 108 એમ્બ્યુલશનને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક મકાન અને દુકાનો પાણી ઘુસી ગયા હોવાથી તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી અસરગ્રસ્તોની મદદ માટે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ હતી તે દરમિયાન કડીયાવાડ વિસ્તારમાં બે માળનું જુનુ મકાન અચાનક ધરાશાયી થતા મકાન નીચે દુકાન પાસે ઉભેલા કેટલાક લોકો અને એક રિક્ષા ત્યા પાર્ક કરેલી હતી તુટી પડેલા મકાનના કાટમાળ નીચે દબાયા હતા. અંદાજે દસ થી બાર જેટલી વ્યક્તિઓ દબાઇ જતાં તેઓ કાટમાળમાં દબાયેલી હાલતમાં પોતાના પરિચીતોને મોબાઇલમાં વાત કરી પોતાની મદદે આવવા કોલ કરી રહ્યા છે.
મકાન ધરાશાયી થતા એનડીઆરએફની ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને બચાવ કામગીરી શરુ કરી છે. મકાન નીચે દબાયેલાઓને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા ચાર જેસીબીની મદદ લેવામાં આવી છે. બીજી તરફ મકાનમાંથી ઘવાયેલી વ્યક્તિ બહાર નીકળે ત્યારે તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 ચાર એમ્બ્યુલશન સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
બચાવ કામગીરી ઝડપથી થઇ શકે તે માટે પોલીસે કડીયાવાડ વિસ્તારને કોર્ડન કરી ભવનાથ તળેટી સુધીના માર્ગ પર વાહનની અવર જબર અટકાવી દીધી છે. જૂનાગઢ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ આજુ બાજુના જર્જરિત મકાન તાકીદે ખાલી કરવા અપીલ કરી છે આ વિસ્તારમાં જ કેટલાક જર્જરિત મકાન ગમે ત્યારે પડી શકે તેમ હોવાની તંત્ર દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
કાટમાળમાં દટાયેલા લોકોએ ફોન કરી માંગી મદદ
જૂનાગઢમાં એક ગોઝારી દુર્ઘટના બનવા પામી છે.જેમાં કડિયાવાળ નજીક દાતાર રોડ પરની બે માળની એક ઇમારત ધરાશાયી થઇ હતી.જેમાં 10 થી 12 લોકો દટાયાની અશકાએ પોલીસ અને એન.ડી.આર.એફ ટીમ દ્વારા રેસક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જ્યારે કાટમાળ નીચે દબાયેલા લોકો દ્વારા ફોન કરીને તેમના સગા સંબંધીઓ અને પોલીસ પાસેથી મદદ માગવામાં આવી રહી છે.
જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાન!!
સમગ્ર જૂનાગઢમાં 200 જેટલા જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે દાતાર રોડ પર જ બે માળનું મકાન આવેલુ હતુ જે ધરાશાયી થયુ છે. કડિયાવાડ પાસે મકાન ધરાશાયી થતા તેની નીચે 10થી વધુ વ્યક્તિ દટાયા હોવાની માહિતી સામે આવી છે.અને તેમનું રેસ્ક્યુ કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે
ઘટના બાદ ખુદ જિલ્લા પોલીસ વડા બચાવ કામગીરીમાં લાગ્યા
જૂનાગઢ હાલ અનેક આફતોનો સામનો કરી રહ્યું છે. ત્યારે બે દિવસ વરસી રહેલા વરસાદના પાણી હજુ માંડ ઉતાર્યા છે ત્યાં કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાઈ થતાં અનેક લોકો તેના કાટમાળ નીચે દટાયા હોવાના સમાચાર સામે આવતા જ જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ સેટ્ટી તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. એટલું જ નહિ સતત બે દિવસથી ભારે પુરના કારણે લોકોની સેવામાં જોડાયેલા એસપી મકાન ધરાશાઈ થતા તુરંત દોડી ગયા હતા. જ્યાં હાજર સ્ટાફ સાથે સતત સંકલન કરી ખુદ જેસીબી પર ચડીને કામગીરીને વેગ આપવા માટે પ્રયત્નો કર્યા છે.