મહારાષ્ટ્ર સરકારની આવક રૂ. ૯૨૫૪ કરોડથી વધી રૂ. ૯૬૨૨ કરોડને આંબી : દસ્તાવેજ નોંધણીમાં પણ ૪૮.૭૩%નો ઉછાળો
કોરોના મહામારી અને લોકડાઉને અનેક ક્ષેત્રોને માઠી અસર પહોંચાડી હતી. હજુ ઘણા ખરા ઉદ્યોગો લોકડાઉનની અસરમાંથી બહાર આવવા પ્રયત્નશીલ છે. દેશના અર્થતંત્રમાં સૌથી મહત્વનો ફાળો આપતા રિયલ એસ્ટેટ ક્ષેત્રની પરિસ્થિતિ પણ લોકડાઉનને કારણે નબળી પડી હતી. ત્યારે રિયલ એસ્ટેટને રાહત આપવાના ઉદ્દેશ્યથી મહારાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર – ડિસેમ્બર સુધી ચાર મહિના માટે સ્ટેમ્પ ડ્યુટીમાં ૩% ની રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ફાયદો થવાની સંભાવના તો હતી પણ સરકારની તિજોરીને ફટકો પડવાની સંભાવના તીવ્ર હતી ત્યારે ધાર્યા કરતા ઊંધું પરિણામ આવ્યું છે. મહારાષ્ટ્રમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડાને કારણે આવક ઘટવાની જગ્યાએ રૂ. ૩૬૭ કરોડનો વધારો થયો છે.
કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ઉદ્યોગ ધંધાઓને થયેલી માઠી અસરથી બહાર કાઢવા કેન્દ્ર સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. ત્યારે મહારાષ્ટ્ર સરકારે અર્થતંત્રમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અનુદાનને ધ્યાને રાખીને સ્ટેમ્પ ડ્યુટીમાં ૩% નો ઘટાડો કર્યો હતો જેના કારણે સરકારની આવકમાં ઘટાડો થવાની શકયતા હતી પણ આવક ઘટવાની જગ્યાએ આવકમાં ૩.૯૭%ના વધારા સાથે રૂ. ૩૬૭ કરોડનો ધરખમ વધારો નોંધાયો છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટતા રિયલ એસ્ટેટ ક્ષેત્રના દસ્તાવેજોની નોંધણી વેગવંતી બની હતી અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકાયા હતા. રાજ્ય સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં સપ્ટેમ્બર માસથી ડિસેમ્બર ૨૦૨૦ સુધી ચાર મહિના માટે ઘટાડો કર્યો હતો. મહારાષ્ટ્રના મહેસુલ મંત્રી બાલાસાહેબ થોરાટે શુક્રવારે કહ્યું હતું કે, સ્ટેમ્પ ડ્યુટી સ્કીમ સપ્ટેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી અમલી બનાવાઈ હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકડાઉનને કારણે માંદગીના બિછાને પડેલા રિયલ એસ્ટેટમાં નવા પ્રાણ ફૂંકી દેવાનો હતો. તેમણે કહ્યું હતું કે, અગાઉ શહેરી વિસ્તાર માટે સ્ટમો ડ્યુટીનો દર ૬% જ્યારે ગ્રામ્ય વિસ્તાર માટે ૫% સ્ટેમ્પ ડ્યુટીની વસુલાત કરવામાં આવતી હતી. બંને વિસ્તારો માટે આ સ્કીમ થકી સ્ટેમ્પ ડ્યુટીનો દર ફક્ત ૩% રાખવામાં આવ્યો હતો.
બાલાસાહેબ થોરાટે વધુમાં કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ ના સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ સુધીમાં કુલ ૮,૪૪,૬૩૬ દસ્તાવેજ નોંધણીની અરજી રાજ્ય સરકારને મળી હતી જ્યારે સપ્ટેમ્બર – ડિસેમ્બર ૨૦૨૦ના ચાર મહિનાના ગાળામાં રાજ્ય સરકારને ૧૨,૫૬,૨૨૪ દસ્તાવેજ નોંધણીની અરજી મળી હતી. જે મુજબ દસ્તાવેજ નોંધણીની અરજીઓમાં ગત વર્ષની સાપેક્ષે કુલ ૪.૧૧ લાખનો ધરખમ વધારો નોંધાયો છે જેના કારણે રાજ્ય સરકારની સ્ટેમ્પ ડ્યુટી પેટે થકી થતી આવકમાં ૩.૯૭%ના વધારા સાથે રૂ. ૩૬૭ કરોડનો ધરખમ ઉછાળો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૧૯માં સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૩૧ સુધીમાં રિયલ એસ્ટેટની સ્ટેમ્પ ડ્યુટી થકી રાજ્ય સરકારને કુલ ૯૨૫૪.૯ કરોડની આવક થઈ હતી જ્યારે એ જ ચાર મહિનાના ગાળા માટે વર્ષ ૨૦૨૦ માં જ્યારે સ્કીમ જાહેર કરવામાં આવી ત્યારે રાજ્ય સરકારની આવક વધીને ૯૬૨૨.૬૩ કરોડની થઈ છે તેવું થોરાટે કહ્યું હતું. ઉલ્લેખનીય બાબત છે કે, દસ્તાવેજ નોંધણીમાં ૪૮.૭૩% નો વધારો નોંધાયો છે. જે રીતે મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટનો વ્યાપ મોટો છે તેવી જ રીતે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્ર ખૂબ મોટું છે. જે રીતે લોકડાઉન અને મહામારીને કારણે મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટને ફટકો પડ્યો છે તેવી જ રીતે ગુજરાતમાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રને ફટકો પડ્યો છે. તો ગુજરાત સરકારે પણ મહારાષ્ટ્ર સરકારના નિર્ણયમાંથી શીખ મેળવીને રિયલ એસ્ટેટને માંદગીના બિછાનેથી ઉઠાવી નવા પ્રાણ ફૂંકવા સ્ટેમ્પ ડ્યુટી સ્કીમ ઘડી કાઢવી જોઈએ.