એટીએસ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસને મળી સફળતા: પાકિસ્તાની ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કારસ્તાન વધુ એકવાર ઝડપાયું
કચ્છના જખૌ પાસે ભારતીય જળ સીમામાં ગત મોડી રાત્રીના એટીએસ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા પાંચ પાકિસ્તાની શખ્સોને બોટ સાથે કરોડો રૂપિયાના જંગી હેરોઈનના જથ્થ સાથે ઝડપી લઈ મોટુ ઓપરેશન પાર પાડયું છે. પાકિસ્તાન દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કારસ્તાન વધુ એકવાર એટીએસ, કોસ્ટગાર્ડ અને સ્થાનિક પોલીસે અટકાવવામાં તંત્રને સફળતા મળી છે. આ અગાઉ પણ કચ્છના જખૌ વિસ્તારમાંથી રૂ.૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડવામાં કોસ્ટગાર્ડને સફળતા મળી હતી.
ભારતીય જળ સીમાનો મોટો વિસ્તાર કચ્છની આસપાસના વિસ્તારોમાં આવેલો છે. આ જળ સીમા મારફતે પાકિસ્તાનીઓ દ્વારા ગેરકાયદેસર રીતે અનેક પ્રકારની દેશવિરોધી પ્રવૃતિઓના ષડયંત્ર રચી ગેરકાયદેસર ડ્રગ્સ, હેરોઈન અને આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવતી હોવાથી કચ્છ સ્થાનિક પોલીસ, એટીએસ અને કોસ્ટગાર્ડને એલર્ટ કરી દેવામાં આવ્યા હોય જેના પગલે ગત રાત્રીના કચ્છ પોલીસ, ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળ સીમામાં એક વિશેષ ઓપરેશન હાથ ધરી ડ્રગ્સનો કરોડોની કિંમતનો જંગી જથ્થ સાથે ૫ પાકિસ્તાની ઘુસણખોરોની બોટ સાથે ધરપકડ કરવામાં આવી છે અને અંદાજે રૂ.૧૭૫ કરોડનો હેરોઈનના જંગી જથ્થાના ૩૬ પેકેટો કબજે કરવામાં આવ્યા છે.
કચ્છની જળસીમામાંથી અનેક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે અને કેટલાક પાકિસ્તાનીઓની બોટમાંથી ડ્રગ્સની ભારતમાં ડિલીવરી કરવામાં આવી હોવાનું અગાઉ કારસ્તાન ઝડપાયું છે. કચ્છ જખૌના દરિયામાં અગાઉ ૫૦૦ કરોડનું ડ્રગ્સ કોસ્ટગાર્ડ દ્વારા ગઈ તા.૫-૫-૧૯ના ૧૯૪ ડ્રગ્સના પેકેટ સાથે ૭ પાકિસ્તીઓને ઝડપી લેવાયા હતા.
પશ્ર્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, એટીએસના ત્રણ ડીવાયએસપી અને કોસ્ટગાર્ડના જવાનો દ્વારા ગત રાત્રીના સમુદ્રમાં આ બોટને ઝડપી લઈ મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. આ અંગે જિલ્લા પોલીસવડાનો સંપર્ક સાધવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, આજે સવારે મધદરિયેથી આ બોટને ઝડપી પાડવામાં તંત્રને સફળતા મળી છે. બોટમાંથી પોલીસે હેરોઈનના ૩૬ પેકેટ કબજે કર્યા છે.
આ ડ્રગ્સ કયાં પ્રકારનું છે તે જાણવા નિષ્ણાંતોની મદદ લેવાઈ રહી છે. ઝડપાયેલા ડ્રગ્સના જંગી જથ્થાની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટ મુજબ કરોડો રૂપિયા હોય તેવો અંદાજ આવી રહ્યો છે.
આ ઓપરેશન પાર પાડતી વેળાએ એટીએસ, કોસ્ટગાર્ડ અને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાકિસ્તાનીઓ આ ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી ન દે અથવા બોટને સળગાવી ન દે તે માટે ખાસ ખ્યાલ રાખી પોલીસે ભારે ગુપ્તતા સાથે ઓપરેશન સફળ બનાવ્યું હતું. ડ્રગ્સના જંગી જથ્થા સાથે ૫ પાકિસ્તાની શખ્સોની બોટ સાથે ધરપકડ કરી તેઓની સધન પુછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ પાકિસ્તાની શખ્સો પાસેથી મોટા ઘટ સ્ફોટ થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે.