પ્રવેશ દ્વાર ખુલે એની રાહમાં પરિક્રમાર્થીઓએ કેડી માર્ગ અપનાવ્યો: વહીવટી તંત્ર સજજ
નવનાથ, 33 કરોડ દેવતા, 64 જોગણીઓ, અને અનેક સંતો, મહંતો, યોગીઓ, જોગીઓ અને તપસ્વીઓની તપોભૂમિ એવી એવા ગરવા ગિરનાર ફરતે પરિક્રમાથીઓ દ્વારા યોજાતી લીલી પરિક્રમાનો આવતીકાલે શુક્રવારે રાત્રિના બાર વાગ્યે વિધિવત પ્રારંભ થશે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી વહેલી પરિક્રમા પૂરી કરી લેવા માટે પરિક્રમાથીઓ જૂનાગઢના ભવનાથ ખાતે પહોંચી ગયા છે. અને હાલમાં ભવનાથ ખાતે લગભગ ત્રણ લાખથી વધુ પરિક્રમાથીઓ પરિક્રમાનો મુખ્ય પ્રવેશ દ્વારા ખુંલે તેની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ પરિક્રમા પૂર્વે લાખોની સંખ્યામાં ભવનાથ ક્ષેત્રમાં ભાવિકો પહોંચી ગયા હોવાના કારણે ગઈકાલ સાંજથી જ જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જતા માર્ગ પર વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો છે. જેના કારણે પરિક્રમાથીઓને સાડા ત્રણ કિલોમીટર જેટલું પગપાળા ચાલવું પડી રહ્યું છે. આ સાથે વહેલો ગેટ ખોલાય તે માટે ફરજ પરના કર્મીઓ, અધિકારીઓ સાથે પરિક્રમાથીઓ વારંવાર લમણાજીક કરતા હોવાના દ્રશ્યો પણ સર્જાય રહ્યા છે. તે સાથે સોશિયલ મીડિયા ઉપર તંત્ર દ્વારા વહેલા દરવાજા ખોલી નાખવા જોઈએ જેથી વધારે ભીડ ન થાય અને મોરબી જેવી ઘટના ન સર્જાય તેવી પણ ચર્ચાઓ જોરદાર ચાલી રહી છે.
પ્રકૃતિનો ખોળો ખૂંદવા અને પ્રકૃતિને પામવાની યાત્રા એટલે ગરવા ગઢ ગીરનારની લીલી પરિક્રમા… લગભગ અડધી સદીથી ઉપરના સમયથી ગરવા ગિરનારને ફરતે યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો શિવનું સ્મરણ કરી ગિરનારનું ભ્રમણ કરે છે. આ દરમિયાન પરિક્રમાથીઓ ઘેઘુર જંગલ વચ્ચે ઇટવા ઘોડી ત્રણ રસ્તા નજીક, બીજી રાત્રી ઝીણા બાવાની મઢી, ત્રીજી રાત્રી બોરદેવી અને ચોથી રાત્રે ભવનાથ તળેટીમાં રાત્રી રોકાણ કરે છે. અને પ્રકૃતિને માણતા માણતા 36 કિલોમીટરનું અંતર કાપે છે.
આ દરમિયાન પરિક્રમાથીઓ ઇટવા ઘોડી 920 મીટર, સરકડીયા ઘોડી 1706 મીટર, માળવેલાની ઘોડી 1033 મીટર, નળ પાણીની ઘોડી 1551 મીટર અને ખોડીયાર ઘોડી 1185 મીટરની ઊંચાઈએ આવેલ છે તેમને સર કરતા કરતા ખૂબ જ કપરી અને કઠિન પરિક્રમા “હર હર મહાદેવ”, “જય જય ગિરનારી મહારાજ” ના જય ઘોષ સાથે ધૂન – કીર્તન કરતા અને મિત્ર – પરિવાર સાથે આનંદ પ્રમોદ કરતાં કરતાં સુખદ રીતે પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધે છે.
જો છેલ્લા 15 વર્ષના આંકડા જોઈએ તો, લગભગ 87 લાખથી વધુ પરિક્રમાથીઓએ છેલ્લા 15 વર્ષ દરમ્યાન ગરવા ગઢ ગિરનારની પરિક્રમા કરી છે. જેમાં સને 2020 માં કોરોનાના કારણે પરિક્રમા સદંતર બંધ રાખવામાં આવી હતી, અને માટે પ્રતીકાત્મક પરિક્રમા યોજાઇ હતી. જ્યારે ગત વર્ષે સને 2021 માં કોરોનાનો કહેર હોવા છતાં 1.96 લાખ લોકોએ ગિરનારની પરિક્રમા કરી હતી. આ સિવાય સને 2019 માં 9 લાખ, 2015 માં 8 લાખ, 2014 માં 9 લાખ, 2013 માં 9 લાખ ભાવિકો નોંધાયા હતા. જ્યારે સને 2011 માં 3 લાખ જેટલા ભાવિકો નોંધાયા હતા.