કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટની મુલાકાત લીધી
રાજકોટની ભાગોળે નિર્માણ પામી રહેલા હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે મુલાકાત લીધી હતી. અને એરપોર્ટમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી.
બંસલ તથા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ રવિવારે સવારે હીરાસર ખાતે સૌથી પહેલાં રન-વે નિહાળ્યા બાદ એપ્રન એરીયા, એરપોર્ટમાં નિર્માણ પામી રહેલા બોક્સ કલવર્ટ, ટર્મિનલ, હાલમાં બનાવાયેલા ટેમ્પરરી ટર્મિનલ, ફાયર સ્ટેશન તેમજ હાઇવેથી એરપોર્ટને જોડતા રોડની કામગીરી રૂબરૂ નિહાળી હતી અને ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કલેક્ટર અરૂણ મહેશ બાબુ તેમજ એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધીએ એરપોર્ટની કામગીરીનો પ્રગતિ અહેવાલ આપ્યો હતો.
નેશનલ એરપોર્ટ ઓથોરિટી, ગુજરાત એરપોર્ટ ઓથોરિટી તેમજ હિરાસર એરપોર્ટના અધિકારીઓ, કોન્ટ્રાક્ટિંગ એજન્સી, જમીન સંપાદન વિભાગના અધિકારી, વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સચિવ બંસલે સમીક્ષા બેઠક યોજી હતી. અને એરપોર્ટની કામગીરીની પ્રગતિ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ પ્રસંગે બંસલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ રાજકોટના આંગણે નિર્માણ પામી રહ્યો છે, તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. કારણ કે આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે સીમાચિન્હરૂપ બનવાનો છે.
નોંધનીય છે કે, હિરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3 કિલોમીટરના રન-વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. એપ્રન, ટેક્સી વેય્ઝની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. રન-વે પર લેન્ડિંગ લાઇટ્સ લાગી ચુકી છે. તથા ફાયર સ્ટેશનની કામગીરી પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે.