દુર્ઘટનાની જાણકારી મળતાં જ હરિયાણાનાં કૃષી મંત્રી જે.પી. દલાલ પણ ઘટનાસ્થળે પહોચ્યા, પુરજોશમાં ચાલતું બચાવ કાર્ય

અબતક, નવી દિલ્હી : હરિયાણાના ભિવાનીના ખાણ વિસ્તાર ડાડમમાં આજે વર્ષના પ્રથમ દિવસે જ દુર્ઘટના સર્જાઈ છે. આ વિસ્તારમાં એક પર્વત ધસી પડ્યો હતો. દુર્ઘટનામાં કાટમાળમાં દટાઈને ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 20-25 લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ખાણકામમાં ઉપયોગમાં લેવાતાં કેટલાંક મશીનો પણ કાટમાળ નીચે દટાઈ ગયાં છે.

મૃત્યુ પામેલા મજુરો છત્તીસગઢ અને રાજસ્થાનનાં છે. કાટમાળમાં કુલ કેટલાં લોકો દટાયા છે, તે બાબતની હજી સુઘી જાણકારી મળી શકી નથી. પર્વત કુદરતી રીતે જ ધસી પડ્યો કે બ્લાસ્ટને કારણે આ દુર્ઘટના સર્જાઈ, એ બાબતે હાલમાં જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે.

દુર્ઘટનાની જાણકારી મળતાં જ હરિયાણાનાં કૃષી મંત્રી જે.પી. દલાલ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતુ કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો મૃત્યુ પામ્યા છે, પણ હજી સુઘી મોતનો સ્પષ્ટ આંકડો જાણી શકાતો નથી. જો કે, ડોકટરાની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.

હાલમાં ત્રણ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બચાવ ટીમના રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકો છત્તીસગઢ અને રાજસ્થાનના મજૂરો છે. પથ્થરો નીચે કેટલા લોકો દટાયા છે એ હજુ સુધી જાણી શકાયું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.