- પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું: પોલીસે એકે-47 ગન સહિત અન્ય ઘણાં હથિયારો જપ્ત કર્યા: માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ થોડા સમય પહેલા પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાનો આરોપ
યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે. એસટીએફ અને પંજાબ પોલીસે આજે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. માર્યા ગયેલા તમામ આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના હોવાનું કહેવાય છે. તેમણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે એકે-47 રાઈફલ, બે ગ્લોક પિસ્તોલ અને મોટી માત્રામાં કારતૂસ મળી આવ્યાં છે. આ એન્કાઉન્ટર પીલીભીતના પુરનપુર કોતવાલી વિસ્તારમાં થયું હતું. માર્યા ગયેલા આતંકવાદીઓ ગુરદાસપુરના રહેવાસી ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ છે. એન્કાઉન્ટરમાં ગોળી વાગ્યા બાદ તમામને પુરનપુર સીએચસીમાં લાવવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તમામને મૃત જાહેર કર્યા હતા. આ મામલે વાત કરતા યુપીના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે આ ઓપરેશનનું નેતૃત્વ પીલીભીતના એસપી દ્વારા કરવામાં આવ્યું હતું. યુપી પોલીસને પંજાબ પોલીસ પાસેથી ખાલિસ્તાની આતંકવાદીઓ વિશે ઈનપુટ મળ્યા હતા. ત્રણેય પંજાબના ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલામાં સામેલ હતા. તેમણે કહ્યું કે બે રાજ્યોની પોલીસ વચ્ચે સંકલન કરીને હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનની આ એક મોટી સફળતા છે. બાદમાં 21 ડિસેમ્બરે પંજાબના ગુરદાસપુર જિલ્લાના બંગા વડાલા ગામના પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બંગા વડાલા ગામ રાત્રે બ્લાસ્ટથી હચમચી ગયું હતું. જ્યારે લોકો ડરીને ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમને ખબર પડી કે પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન સમર્થક સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલે આ હુમલાની જવાબદારી લીધી હતી. ગુરદાસપુરના કલાનૌર વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં આ બીજો ગ્રેનેડ હુમલો છે. પંજાબમાં 28 દિવસમાં 8 વખત ગ્રેનેડ હુમલા કરવામાં આવ્યા છે. વધતી જતી ઘટનાઓને કારણે રાજ્યની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.