લોકસભાની ચૂંટણી પૂર્વ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ફરી એકવાર ભરતી મેળો શરૂ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો-હોદ્ેદારો કે ચૂંટાયેલા સભ્યોને ભાજપની વિચારધારા સાથે જોડવામાં આવી રહ્યા છે. ઓપરેશન લોટ્સને વધુ વેગવંતુ બનાવવા પાંચ સભ્યોની સ્ક્રિનીંગ કમિટીની રચના પણ કરવામાં આવી છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં પ્રબળ દાવેદાર હોવા છતા ભાજપે ટિકિટ ન આપતા બળવો પોકારી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ત્રણ અપક્ષ ધારાસભ્યો હવે ઘરવાપસી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ત્રણેય અપક્ષ ધારાસભ્યો રાજીનામુ આપી હવે ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને માવજીભાઇ દેસાઇ “ઘર વાપસી” તૈયારીમાં
તાજેતરમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોને રાજીનામા અપાવી દીધા હતા. હવે સ્ક્રિનીંગ કમિટીના અધ્યક્ષ મોટા ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની-2022માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપ રેકોર્ડબ્રેક 156 બેઠકો જીત્યો હતો. છતા હજી પક્ષના આગેવાનોને સંતોષ ન હોય તેવું લાગી રહ્યું છે. પ્રબળ દાવેદાર હોવા છતા કોઇ કારણોસર પક્ષ દ્વારા ટિકિટ ન અપાતા ધવલસિંહ ઝાલા બાયડ વિધાનસભા બેઠક, માવજીભાઇ દેસાઇ ધાનેરા વિધાનસભા બેઠક અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. તેઓ જીતીને ધારાસભ્ય બન્યા હતા. હવે સવા વર્ષ બાદ આ ત્રણેય અપક્ષ ધારાસભ્યો ઘરવાપસી કરવાના મૂડમાં છે. ધવલસિંહ ઝાલા, માવજીભાઇ દેસાઇ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગામી દિવસોમાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દેશે. તેઓના મનમાં હવે ભાજપના સિમ્બોલ પરથી પેટા ચૂંટણી લડવાના મૂડમાં છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી તેઓ પેટા ચૂંટણીમાં ભાજપના સિમ્બોલ પરથી મેદાનમાં ઉતરશે.
જવાહરભાઇ ચાવડા ભાજપથી નારાજ: નવા-જૂનીના એંધાણ
લોકસભાની ચૂંટણી પૂર્વે જવાહરભાઇ ચાવડા મોટો નિર્ણય લ્યે તેવી પ્રબળ બનતી સંભાવના
માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ છે. તેઓએ સરકારી અને પક્ષના કાર્યક્રમમાં હાજરી આપવાનું બંધ કરી દીધું છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલા તેઓ મોટો ધડાકો કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. માણાવદર બેઠક પરથી વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા જવાહરભાઇ ચાવડાએ ગત ટર્મમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. ભાજપે તેઓને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. દરમિયાન 2022 વિધાનસભા ચૂંટણીમાં તેઓ માણાવદર બેઠક પરથી જ ભાજપના પ્રતિક પરથી ચૂંટણી લડ્યા હતા.
પરંતુ તેઓને પરાજય મળ્યો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ તેઓને હરાવ્યા હતા. તેઓને કેટલાક આગેવાનોના નામ જોગ ફરિયાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કરવામાં આવી હતી. છતા ગદારો સામે કોઇ જ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા જવાહરભાઇ ભારોભાર નારાજ થઇ ગયા છે. તેઓએ છેલ્લા ઘણા સમયથી સરકારી કાર્યક્રમો કે પક્ષના કાર્યક્રમોમાં હાજરી આપવાનું બંધ કરી દીધું છે. આડકતરી રિતે ભાજપ સાથેના સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. લોકસભાની આગામી ચૂંટણી પહેલા તેઓ કોઇ મોટો નિર્ણય લ્યે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. એક તરફ ભાજપમાં ભરતી મેળો ચાલી રહી છે. બીજી તરફ પક્ષના કેટલાક મોટા માથા પક્ષની હાલની નીતિ રિતીથી ભારોભાર નારાજ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.