સેન્ટ્રલ ઝોનમાં 79 મીમી, વેસ્ટ ઝોનમાં 69 મીમી અને ઇસ્ટ ઝોનમાં 64 મીમી પાણી પડ્યું શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા: આજી નદીમાં ઘોડાપુર, મેઘરાજાએ કર્યો રામનાથ મહાદેવનો જલાભિષેક: જળાશયોમાં માતબર પાણીની આવક
રાજકોટમાં રવિવારે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો. દિવસ દરમિયાન શહેરમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ચાલુ સાલ ચોમાસાની સિઝનનો 19॥ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. સાંજે વરસાદનું જોર વધ્યું હતું. જેના કારણે આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. દર વર્ષની માફક આ વર્ષે પણ મેઘરાજાએ રાજકોટના ગામ દેવતા એવા સ્વયંભૂ રામનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયોમાં પાણીની માતબર આવક થવા પામી છે. આજે સવારથી વાતાવરણ ધાબડ જોવા મળી રહ્યું છે.
ગઇકાલે રવિવારે સવારે 1 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો. સાંજે મેઘરાજાનું જોર વધ્યું હતું. વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરભરમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 79 મીમી (સિઝનનો 483 મીમી), વેસ્ટ ઝોન વિસ્તારમાં 69 મીમી (સીઝનનો કુલ 443 મીમી) અને ઇસ્ટ ઝોન વિસ્તારમાં 64 મીમી (સિઝનનો કુલ 369 મીમી) વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું. જ્યારે હવામાન વિભાગના રેકોર્ડ પર શહેરમાં 24 કલાકમાં 72 મીમી (સિઝનનો કુલ 345 મીમી) વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. સાંજના સમયે અનરાધાર ખાબકેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઇ ગયા હતા.
150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેકની બંને બાજુની સોસાયટીઓમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળતા હતા. બીઆરટીએસ ટ્રેક પણ પાણીથી લથબથ થઇ ગયો હતો. શહેરના મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. મેઘરાજાએ સ્વયંભૂ રામનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. નદીમાં પૂર જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. શહેરની જળ જરૂરિયાત સંતોષતા ભાદર, આજી-1, ન્યારી-1 અને લાલપરી તળાવમાં માતબર પાણીની આવક થવા પામી છે.
રાજાશાહી સમયનો લાલપરી તળાવ ઓવરફ્લો થઇ ગયું છે. જ્યારે ભાદર ડેમમાં નવું 3 ફૂટ અને ન્યારી ડેમમાં નવું 3.61 ફૂટ પાણીની આવક થવા પામી હતી. આજી ડેમમાં પણ નવું 1 ફૂટ પાણી આવ્યું હતું. આજે સવારથી શહેરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. દરમિયાન આવતીકાલથી મેઘાવી જોર ઘટશે.