શિક્ષણ મંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ જિલ્લાનાં વિવિધ વિકાસ કામોની સવ્રગ્રાહી સમીક્ષા કરી: નાગરીકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ લાવવા અધિકારીઓને સુચના
રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણીએ રાજકોટ શહેર તથા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિવારણ કરવા સંબંધિત વિભાગોના સરકારી અધિકારીઓને સૂચના આપી હતી.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં બની રહેલા અંડરપાસ અને ઓવરબ્રિજથી ઉપસ્થિત થનારી ટ્રાફિકની સમસ્યાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સરકારી શાળાઓના મકાનો, ગ્રામ્ય માર્ગો, પાણી વગેરે બાબતોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. નગરપાલિકા વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકામો બનતી ત્વરાએ આટોપવા મંત્રી વાઘાણીએ તાકીદ કરી હતી. અને વહીવટી પ્રક્રિયાઓમાં બિનજરૂરી સમય ન વેડફવા જણાવ્યું હતું. જિલ્લાભરના નવા તથા મંજૂર થયેલા વિકાસ કામોની યાદી પ્રોપર ચેનલ મારફત મોકલવા મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું અને આ બાબતે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની મંત્રી વાઘાણીએ ખાતરી આપી હતી.
કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ રાજકોટ ખાતે આકાર લઇ રહેલા વિવિધ વિકાસ કામો જેવા કે એઈમ્સ હોસ્પિટલ, હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, પ્રાદેશિક વિજ્ઞાન સંગ્રહાલય, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, પદ્મકુવરબા હોસ્પિટલ, ઈશ્વરીયા પાર્ક, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ચૌધરી હાઇસ્કુલના કેમ્પસમાં બનનારી મુવેબલ હોસ્પિટલ, શાસ્ત્રી મેદાન વગેરેની પ્રગતિના કામોની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મંત્રી જીતુભાઈ વાઘાણીને સવિસ્તર માહિતી આપી હતી. સુશાસન સપ્તાહ નિમિત્તે યોજાનારા ગુડ ગવર્નન્સ સંબંધિત કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા કલેક્ટર મહેશ બાબુ ઉપસ્થિતો સમક્ષ રજૂ કરી હતી.
કોરોના વિરોધી રસીના રસીકરણ તથા સેવા સેતુ કાર્યક્રમ અંગેની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે રાજકોટ અમદાવાદ હાઇવે ના 28 કિલોમીટરનો વિસ્તાર રાજકોટ જિલ્લાની હદમાં સમાવિષ્ટ થાય છે, તેમાં પાંચ નવા ફ્લાયઓવર અને બે અંડરપાસ બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી દીધી છે. સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચેના રેલવે લાઈનને ડબલ ટ્રેક બનાવવાની કાર્યવાહીની વિગતો પણ આ બેઠકમાં સમાવી લેવાઈ હતી.કલેકટર કચેરીના બેઠક ખંડમાં યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરએ બેઠકના પ્રારંભે ઉપસ્થિતોને આવકાર્યા હતા. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
આ બેઠકમાં ગુજરાત મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સવ ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર દર્ષિતાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ મનસુખભાઈ કર્યા અને શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, રેન્જ ડી.આઈ.જી. સંદીપ સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પી.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર વરૂણકુમાર બરનવાલ, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે કે પટેલ, એડિશનલ કલેક્ટર એન. એફ. ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડા, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી ચરણસિંહ ગોહિલ, રાજેશ આલ, પારસ વંડા, વીરેન્દ્ર દેસાઈ અને સિદ્ધાર્થ ગઢવી ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા તથા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
શાળાઓ બંધ નહીં થાય, વાલીઓ પાસેથી સંમતિપત્ર લેવાશે:શિક્ષણમંત્રી
ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે છે. જ્યાં અલગ-અલગ મામલે અધિકારીઓ સાથેની બેઠક કરી, તેમણે જણાવ્યુ હતું કે,જેમાં શાળાઓમાં વધતા કોરોના સંક્રમણ મામલે શાળા બંધ કરવા કે ચાલુ રાખવાનો નિર્ણય લેવાનું તેમણે વાલીઓની ફરીથી સંમતિપત્ર લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાક સમયથી શાળાનાં બાળકો કોરોના સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેને લઈ શાળાઓમાં કોવિડ ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવાના આદેશો અપાયા છે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા આ મામલે ખાનગી શાળાઓમાં ચેકીંગ ડ્રાઈવ યોજવા જણાવાયું છે. શાળાઓ અગાઉ વાલીઓની સંમતિથી શરૂ કરવામાં આવી છે. પરંતુ કેસો વધ્યા બાદ ફરીથી એકવાર વાલીઓનાં સંમતિપત્ર લેવામાં આવશે. અને જે વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા નહીં ઇચ્છતા હોય તેના માટે સ્કૂલોએ ઓનલાઈન શિક્ષણ ફરજીયાત ચાલુ રાખવાનું રહેશે.