અમરેલીથી સુરત જતી બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી ડાયમંડ અને સોનાના દાગીનાની દિલધડક લૂંટ કરાઈ હતી
ટ્રાવેલ્સના પૂર્વ કર્મચારીએ મહારાષ્ટ્રની ગેગને ટીપ આપી લૂંટની ઘટનાને અંજામ આપ્યાની કબુલાત
અબતક,રાજકોટ
ધોળકાના કોઠ ગામે મંગળવારે રાત્રી સમયે એક દિલ ધડક લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી જેમાં અમરેલીથી સુરત જઇ રહેલી લક્ઝરી બસને રોકીને આંગડિયા પેઢીના કર્મચારીઓને પાસેથી રૂ.3 કરોડોની કિંમતના હીરા-દાગીના અને રોકડ ભરેલા થેલાની લૂંટ કરીને 10 જેટલા શખ્સો કારમાં ફરાર થઇ ગઇ હતી. જેની જાણ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા આણંદ પોલીસની મદદ લઇને કલાકોમાં જ સમગ્ર ભેદ ઉકેલીને રૂપિયા 2.75 કરોડની કિંમતના ડાયમંડ ઉપરાંત, સોનાના દાગીના અને રોકડ સહિતનો મુદ્દામાલ સાથે આણંદના સુણાવ પાસેથી 10 જેટલા ગેગના શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પૂછતાછમાં ખુલ્યું હતું કે ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતા પૂરો કર્મચારીએ જ લૂંટની ઘટનાને અંજામ આપવા મહારાષ્ટ્રની ગેગને ટીપ આપી હતી.
આ દિલધડક લૂંટની વિગતો આ પ્રમાણે છે કે,મંગળવારે રાતના સમયે રામદેવ ટ્રાવેલ્સની બસ અમરેલીથી સુરત રહી હતી. ત્યારે બસમાં ગુજરાત અને અક્ષર આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પણ હાજર હતા. રાતના બે વાગ્યાના સુમારે બસ અમદાવાદ જિલ્લાના કોઠ પાસેના ગુંદી પાસે પહોંચી તે સમયે એક કાર ચાલકે ઓવરટેક કરીને બસને રસ્તામાં રોકી હતી. બસ ડ્રાઇવર કઇ સમજે તે પહેલા જ બસમાં અગાઉથી મુસાફર તરીકે બેઠેલા 10 જેટલા લૂંટારૂઓ ઉભા થયા હતા અને તેમણે હથિયાર બતાવીને બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયાની કિંમતની મત્તા ભરેલા થેલાની લૂંટ કરી હતી અને કારમાં નાસી ગયા હતા.
જો કે ગણતરીની મિનિટોમાં જ આ બનાવની જાણ અમદાવાદ ગ્રામ્ય પોલીસને કરવામાં આવતા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાચ, એસઓજી , બાવળા અને કોઠ પોલીસની ટીમ સતર્ક થઇ ગઇ હતી અને અલગ ટીમ બનાવીને શંકાસ્પદ કારનો પીછો કર્યો હતો. જે દરમિયાન કેટલાંક શંકાસ્પદ મોબાઇલ નંબર પણ મળી આવ્યા હતા. જેના લોકેશન પણ તપાસવાના શરૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કાર ખેડા જિલ્લાની હદમાંથી પસાર થતી હોવાની માહિતી મળતા ખેડા પોલીસને જાણ કરવામાં આવી હતી.
બાદમાં આણંદનું લોકેશન ટ્રેક થતા આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને તેમના સ્ટાફે શંકાસ્પદ વાહનની તપાસ શરૂ કરી હતી. અને તેઓએ ખેતરોમાં છુપાયેલા કુલ નવ શખ્સોને ઝડપી લેવાયા હતા.
પોલીસે જપ્ત કરેલા થેલામાં તપાસ કરતા તેમાથી હીરા પાર્સલ, સોનાના દાગીના અને રોકડ મળી આવી હતી.તપાસમાં જાણવા મળ્યું હતું કે,ઝડપાયેલા મોટાભાગના આરોપી મહારાષ્ટ્રના માલેગાંવના વતની હતા અને તેઓ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ખાસ ગુજરાત આવ્યા હતા. તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો , બે પિસ્તોલ, સેલોટેપ, મરચાની ભૂંકી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સુરતમાં રહેતો હિરેન નામનો વ્યક્તિ અગાઉ રામદેવ ટ્રાવેલ્સમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. જેને લુટને અંજામ આપવામાં માટે મહારાષ્ટ્રની ગેંગને ટીપ આપી હતી. પોલીસે 10 શખ્સોની ધરપકડ કરી તેની પૂછતાછ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ
મુખ્ય સુત્રધાર – હિરેન ,ધર્મશ કારતિયા (સુરત),સાગર સુર્યવંશી,ગૌતમ ગૌલી,યોગેશ પવાર,સંતોષ લામતે,સોનું કટારે,બાવુ સાહેબ મથુરે,વિવેક પરદેશી,ગણેશ વગડે સહિતનાની પોલીસે ધરપકડ કરી છે.
આંગડિયા પેઢીના થેલામાં રહેલ જીપીએસ ટ્રેકરથી પોલીસે લૂંટનો ભેદ ઉકેલ્યો
આંગડિયા પેઢીના સંચાલકોને પોલીસ દ્વારા અગાઉ સુચના આપવામાં આવી હતી કે કિંમતી સામાન હોય તે થેલામાં જીપીએસ ડીવાઇઝ મુકે. જેથી લૂંટ કે ચોરી જેવા સંજોગોમાં ગુનાનો ભેદ ઉકેલાવામાં સરળતા રહે જેથી લોટ થયેલ બેગમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી હોવાથી પોલીસને આરોપીઓનું લોકેશન તુરંત જ મળી ગયું હતું અને ગણતરીની કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલયો હતો.