કોર્પોરેશન દ્રારા કોરોનાના દર્દીના નામ અને સરનામાં જાહેર કરવાનું બંધ કરાયું છે.પોઝિટિવ દર્દીના નામ – સરનામાં જાહેર કરવા કોંગ્રેસ દ્રારા ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.જેની મુદત આજે પુરી થતા કોગ્રેસના  કોર્પોરેટરો મ્યુનિસિપલ કમિશનર પાસે જવાબ માંગવા માટે પહોંચ્યા હતાં અને ધરણાં કરવાના હતા જો કે ધરણા પૂર્વે જ વિપક્ષીનેતા સહિત ચાર કોંગી કોર્પોરેટરની પોલીસે અટકાયત કરી લીધી હતી.

કોરોનાનાં દર્દીના નામ અને સરનામાં જાહેર કરવાની માંગ સાથે કમિશનરની ચેમ્બરની બહાર  ધરના કરે તે પૂર્વે પોલીસે વિપક્ષીનેતા વશરામ સાગથિયા, પૂર્વે નેતા ગાયત્રીબા વાઘેલા, અતુલભાઈ રાજાની અને મનસુખ કાલરીયાની અટક્યાત કરી લીધી હતી

કોંગ્રેસે આજે પણ રજુઆત કરતા જણાવ્યું હતું કે શહેરમાં કુદકે ને ભ્રુંસકે કોરોના મહામારીનો આંકડો અને સંક્રમણ થયેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ બાબતે તમામ સ્તરે ખુબ તકેદારી રાખવી ખુબ જરૂરી છે.

શહેરમાં કોરોના સંક્રમિત લોકોના નામ સરનામાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતા હતા. મહાનગરપાલિકા દ્વારા જે નામ સરનામાં તા.૧૮/૦૩/૨૦૨૦ થી તા.૨૬/૦૭/૨૦૨૦ સુધી જાહેર કરવામાં આવતા હતા તેના કારણે સ્થાનિક લોકો અને પરિચિતોને સંપર્કમાં ન આવવાની જાગૃતતા રહેતી જે હવે પછી ન રહેવાથી આવનાર સમયમાં ખતરો ઉભો થાય તેવી દહેશત દેખાઈ રહી છે  નામ સરનામાં જાહેર નહી કરવાના તઘલખી નિર્ણય કરવામાં આવેલ છે, જે નિર્ણય ખોટો અને આમ જનતાને નુકશાન કરતા શાબિત થઇ શકે તેમ છે. જો કોરોના સંક્રમિત લોકોના નામ સરનામાં જાહેર કરવામાં આવે તો આસપાસ રહેતા લોકો, મિત્રો, સ્નેહીઓ, સંબંધીઓ ને જાણમાં આવે કે આ વ્યક્તિ આ સ્થળે રહે છે અને કોરોના સંક્રમિત છે જેથી હળવામળવાથી લઈને આવવાજવામાં સચેત બની તકેદારી રાખી શકે આ ઉપરાંત સંક્રમિત લોકોના પરિવારજનો, તેમના સહયોગીઓ, સહકર્મીઓ કે સંપર્ક ઘરાવતા લોકોથી પણ સચેત થઇ શકે અને તે સંક્રમણનો ભોગ ન બને તેવા આરોગ્યલક્ષી શુભ હેતુથી વિગતો જાહેર કરવા પુન: માંગણી કરીએ છીએ.

આ અંગે રજૂઆત કરવા છતાં આજદિન સુધી અમોને કોઈ પ્રત્યુતર મળેલ નથી  નામ સરનામાં જાહેર ન કરવાન નિર્ણયમાં એવું પ્રેસને જણાવવામાં આવેલ છે કે સંક્રમિત લોકોની ખાનગી બાબતનો ભંગ ન થવા માટે આ નિર્ણય લેવામાં આવેલ છે પરંતુ કોરોના મહામારી એ કુદરતી આફત છે અને જેને જાહેર કરવામાં કોઈ વ્યક્તિના અંગત હિતને નુકશાન થઇ શકે નહી પરંતુ વિશાળ જનહિતને નુકશાન થાય અને વિશાળ જનહિતનું આરોગ્ય જોખમાય. તે ધ્યાને લઇ તેના બદલે કોઈ શુભેચ્છકો સ્વેચ્છિક સંસ્થાઓ કે સામાજિક-ઘાર્મિક સંસ્થાનો દ્વારા સંક્રમીતોના પરિવારજનોને મદદરૂપ થઇ શકે જેથી આ નિર્ણયને બદલી સંક્રમીતોના નામ સરનામાં જાહેર કરવા રાજકોટની જનતાના હિતમાં પુન: વિનંતી કરીએ છીએ. તમાંમ બાબતોને ધ્યાને રાખી નામ સરનામાં જાહેર ન કરવાના નિર્ણયને રદ કરવા માંગણી કરીએ છીએ. તેમજ રાજકોટ શહેરમાં કોવીડ-૧૯ ની પરિસ્થિતિઓ અન્વયે રાજકોટ શહેરમાં કલેકટર કચેરી ખાતે આવેલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેમાં સુપર સ્પ્રેડર્સ જેવા કે શાકભાજીની લારીવાળા, ફેરિયાઓ, વાણંદ વ્યવસાયિક, દૂધ વિતરક, કરીયાણા વિતરકો, વગેરે તમામના ટેસ્ટીંગ કરવા, ક્ધટેઇન્ટમેન્ટ ઝોનમાં નાં લોકોને પુરતી સુવિધા પૂરી પાડવી, ધનવંતરી રથને ઘર-ઘર સુધી પહોંચતો કરવો જેવા મુખ્યમંત્રીના આદેશોનું તંત્ર દ્વારા પાલન કરવામાં આવતું નથી દાત. બે દિવસ પહેલા કોરોના ટેસ્ટીંગ ડબલ કરવાનું કહી ગયા હતા પરંતુ જે ૩૨૫-૩૫૦ કોરોના ટેસ્ટ થતા હતા તેની સામે મુખ્યમંત્રી ગયા તેના બીજા દિવસે ફક્ત ૧૯૪ ટેસ્ટ કરવામાં આવ્યા આનો મતલબ એ થાય કે આપ મુખ્યમંત્રીશ્રીના આદેશોનું પણ પાલન કરતા નથી જે રાજકોટની જનતા માટે આવનારા દિવસોમાં ખુબ જ ખતરનાક સાબિત થશે.

ભેદભાવ થતા હોવાના કારણે કોરોના દર્દીના નામ જાહેર કરાતા નથી,કોંગ્રેસ સમજે: ઉદય કાનગડ

કોંગ્રેસ દ્વારા કોરોનાના દર્દીના નામ જાહેર કરવા બદલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દેખાવ અને ધારણા કરવામાં આવેલ. આ બાબતે કોરોના દર્દીઓ અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના દાખવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, કોરોના દર્દીના નામ જાહેર કરવા જોઈએ નહિ કારણ કે દર્દીના નામ જાહેર કરવાથી દર્દીને માનસિક ત્રાસ થાય છે. સમાજમાં ભેદભાવ ઊભો થાય છે. આડોસ-પાડોસમાં સામાજીક બહિષ્કાર જેવું વાતાવરણ ઉભું થાય છે. કોરોના પીડિત દર્દીઓ સામે ખુન્નસભરી નજરે આડોસ-પાડોસની સોસાયટીના લોકો જોવે છે, ત્યારે દર્દીના નામ જાહેર કરવાનું બંધ કર્યું છે. તે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનો આવકાર દાયક નિર્ણયથી સમાજિક સમરસતા જળવાઈ રહેશે અને તાજેતરમાં કોરોના પોઝીટિવ અને શંકાસ્પદ દર્દીના નામ ગુપ્ત રાખવા બાબતે નામદાર મુંબઈ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ સારંગ કોટવાલએ અરજદાર વૈષ્ણવી ધોળવે અને મહેશ ગાડેકરે દ્વારા કરવામાં આવેલ અરજીની સુનાવણીમાં જણાવ્યું છે કે, દરેક વ્યક્તિ માસ્ક અથવા ફેસ શિલ્ડ, હેન્ડ સેનિટાઈઝર ઉપયોગ કરે અને અન્ય ઉપાય કરે તો સંક્રમણથી દુર રહી શકે છે આ માટે   નામ જાહેર કરવાની જરૂર નથી અને તેનાથી કયો હેતુ સાધ્ય થશે. ઉલટું સામાજીક બહિષ્કાર વગેરેને લીધે સંબંધિત વ્યક્તિને ત્રાસ થાય શકે છે. આજ મુદ્દા પર દેશની અન્ય ચાર હાઇકોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવેલ એ પણ ફગવામાં આવી છે પરંતુ કોંગ્રેસની માનસિકતા સમાજ વિરોધી છે. વર્તમાન કપરા સમયમાં કોરોના પીડિત દર્દી અને પરિવારને સહાનુભૂતિ આપી મદદ કરવી જોઈએ તેના બદલે કોંગ્રેસ કોરોના દર્દીઓની વિરુદ્ધ હોઈ તેવું સ્પષ્ટ થયું છે અને આ તેમની સમાજ વિરોધી માનસિકતા છતી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.