સૌથી વધુ વાવેતર ધ્રોલમાં નોંધાયું: સમગ્ર જિલ્લામાં કપાસનું વાવેતર પ્રથમ ક્રમે જ્યારે મગફળી બીજા ક્રમે, કૃષિ ક્ષેત્રે કોઇ મોટી સમસ્યા ન હોય ખેડૂતોએ હાશકારો અનુભવ્યો

આ વર્ષે ચોમાસું સંતોષજનક રહ્યું છે. રાજ્યનાં જામનગર અને દ્વારકા જિલ્લા સહિત રાજ્યભરમાં સારો વરસાદ નોંધાયો છે. હજુ પણ ચોમાસું પૂર્ણ થયું ન હોય, ઠેકઠેકાણેથી વરસાદનાં વાવડ મળી રહ્યા છે. સારાં ચોમાસાને કારણે જામનગર જિલ્લામાં આ વર્ષે પણ પાક વાવેતરની સ્થિતિ સારી છે. આ ક્ષેત્રમાં કોઈ મેજર સમસ્યા ન હોવાથી ખેડૂતો ખુશહાલ જોવા મળી રહ્યા છે.

જિલ્લામાં પાક વાવેતરની વાત કરીએ તો, તાજેતરમાં થોડાં કલાકો પહેલાં જાહેર થયેલાં આંકડા સંતોષજનક છે. કપાસનું વાવેતર જિલ્લામાં આ વર્ષે પણ સારૂં રહ્યું છે. આ વર્ષે સૌથી વધુ વાવેતર કપાસનું થયું છે. અને મગફળી તથા કપાસ સહિતના પાકોની સ્થિતિ પણ, જામનગર જિલ્લાને લાગેવળગે છે ત્યાં સુધી ઘણી સારી છે. વાવેતર અને પાક ક્ષેત્રે જિલ્લામાં હાલ કોઈ ચિંતા ન હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહિલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. આ મુલાકાત જો કે થોડાં કલાકો પહેલાં લેવામાં આવી છે. ત્યારબાદ પણ જિલ્લામાં વાવેતરમાં સતત વધારો નોંધાયો છે. પાછલાં કેટલાંક દિવસોમાં ઉઘાડ અને વરાપ પણ રહ્યા હોય, સમગ્ર જામનગર જિલ્લામાં પાક પરિસ્થિતિ પણ સંતોષપ્રદ છે. હજુ પંદરેક દિવસ સુધી જિલ્લામાં એરંડા જેવા પાકોનું વાવેતર થતું રહેશે. તેથી વાવેતરના હાલનાં આંકડા હજુ પણ મોટા બનશે.

સમગ્ર જામનગર જિલ્લામાં આ વર્ષે થયેલાં વાવેતરના ખેતીવાડી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલાં આંકડા કહે છે : જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષનાં નોર્મલ વાવેતરની સરેરાશ જોઈએ તો, આપણાં જિલ્લામાં સામાન્ય રીતે આ ખરીફ સિઝનમાં 3,49,223 હેક્ટરમાં વાવેતર કરવામાં આવે છે. તેની સામે આ વર્ષે કુલ વાવેતરની વાત કરીએ તો, અત્યાર સુધીમાં 3,34,268 હેક્ટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત પાછલાં અઠવાડિયામાં આ વાવેતરમાં વધારો પણ થયો છે. જિલ્લામાં ખેડવાલાયક જમીનો પૈકી લગભગ 97/98 ટકા વિસ્તારમાં વાવણી કરી લેવામાં આવી છે. જો કે એરંડા જેવા પાકોનું વાવેતર હજુ પણ લગભગ પંદર ઓગસ્ટ સુધી થતું રહેશે.

જિલ્લાનાં વિવિધ તાલુકાઓની વાત કરીએ તો, જિલ્લામાં ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વાવેતર ધ્રોલ તાલુકામાં 99 ટકાથી પણ વધુ થવા પામ્યું છે. અને ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછું વાવેતર ધ્રોલ નજીકનાં જોડિયા તાલુકાના ગામોમાં નોંધાયું છે. આ વર્ષે કપાસનું વાવેતર લગભગ 1,77,000 હેકટર કરતાં પણ વધુ વિસ્તારમાં થયું છે. જયારે બીજાં ક્રમે મગફળી છે. તેનું વાવેતર લગભગ 1,45,000 હેકટર સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત સોયાબીન, અડદ અને ઘાસચારાનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે. આ સિઝનમાં સામાન્ય રીતે બાજરી જેવાં ધાન્ય અને કઠોળ પાકોનું વાવેતર થતું નથી. પરંતુ તેલીબિયાં સહિતના પાકોનું વાવેતર થતું રહે છે. શાકભાજી નું વાવેતર પણ સારાં પ્રમાણમાં જોવા મળે છે.

જિલ્લામાં સંતોષજનક વાવેતર: આર.એસ.ગોહેલ

‘અબતક’ સાથેની વાતચિતમાં જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહેલએ જણાવ્યું હતું કે જામનગરના પાક વાવેતર વિસ્તારની વાત કરીએ. જેમાં જામનગરનું કુલ વાવેતર વિસ્તાર અંદાજીત 3,50,000 હેક્ટર છે. જે પૈકી હાલમાં 3,34,000 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થઇ ગયેલ છે. આ પૂર્વ થયેલ વાવેતરમાં 1,43,000 હેક્ટર જેટલું મગફળીનું વાવેતર છે તથા આપણો મુખ્ય પાક કપાસ જેનું અંદાજે 1,77,000 હેક્ટર વાવેતર થયેલ છે. ટોટલ વાવેતર વિસ્તારની સાપેક્ષમાં ટોટલ 96% જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે. એરંડા પાકનું થોડું વાવેતર બાકી છે. જે 15 ઓગસ્ટ સુધી વાવેતર થશે. હાલમાં પાકની પરિસ્થિતિ ખૂબ સારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.