દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી મોદી સરકારે મફત રાશન યોજના ડિસેમ્બર સુધી લંબાવી
દિવાળી સહિતના વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખી કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના 80 કરોડ લોકો માટે મફત રાશન યોજનાની અવધી આગામી ડિસેમ્બર માસ સુધી લંબાવવામા આવી છે. ગુજરાતની 3.48 કરોડ જનતાને આ યોજનાનો લાભ થશે.
કેન્દ્ર સરકારે બુધવારે તહેવારોની આ સિઝનમાં લોકોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મફત રાશન યોજનાને અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. તેનાથી ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો અનાજ નો વિનામૂલ્યે લાભ મળશે. આ યોજના અંતર્ગત દેશમાં 122 લાખ મેટ્રિક ટન અનાજનું વિતરણ કરવામાં આવશે અને 80 કરોડ લોકોને ફાયદો થશે. તેના પર કુલ રૂ. 44,762 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, છેવાડાના માનવીની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અને નિર્ણયો કરવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી , રાજ્યના નાગિરોકની સુખાકારીમાં વધુ ઉમેરો થશે.
આ યોજનાનો સાતમો તબક્કો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઓકટોબર થી ડીસેમ્બર -2022 એમ વધુ ત્રણ માસ માટે ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા -2013 હેઠળ સમાવિષ્ટ 71 લાખ રેશનકાર્ડધારક કુટુંબની 3 કરોડ 48 લાખ જનસંખ્યાને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો અનાજ ( ઘઉં અને ચોખા)નો વિનામૂલ્યે લાભ મળશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા કોવિડ-19ની મહામારીને નિયંત્રણમાં લેવા માટે લાગુ કરાયેલ અનિવાર્ય લોકડાઉન પરિસ્થિતિના લીધે કોઈ પણ ગરીબને ભૂખ્યું ન રહેવુ પડે અને જરૂરિયાતમંદોને ભોજન મળી રહે તે માટે એપ્રિલ 2020 માં મફત રાશન વિતરણ યોજના કોવિડ રાહત યોજના તરીકે શરૂ કરવામાં આવી હતી. આ યોજના 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી. આ યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે.