ભચાઉ-બેલામાં પણ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો
રાજ્યમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા છે જેમાં આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 2:28 કલાકે કચ્છના બેલાથી 35 કિમી દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
ત્યારબાદ આજે વહેલી સવારે 4:26 કલાકે કચ્છના ભચાઉથી 19 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે સવારે 8:47 કલાકે કચ્છના ખાવડાથી 20 કિમી દુર 3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. વારંવાર આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીનું નુકશાન થયું નથી. વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ આ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી.
રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહીકરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રિજનમાં હળવો છૂટોછવાયો વરસાદ રહી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણાં ઓછો વરસાદ રહેવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદમાં વરસાદ પડી શકે છે. આ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદની સંભાવના છે.