પ્રતિદ્વંદીને ૧૨૩ મત સામે શેખ હસીનાને ૨,૨૯,૫૩૮ મત
વડાપ્રધાન શેખ હસીનાની આગામી લીગ રાજનૈતિક રીતે ભારત માટે ખૂબજ ઉપયોગી
શેખ હસીનાની પાર્ટી આવામી લીગને જનરલ ઈલેકશનમાં બાંગ્લાદેશમાં સૌથી મોટી જીત હાસલ કરી છે. રવિવારના રોજ મોડી રાત્રે આવેલા રિઝલ્ટ બાદ પાર્ટીની જીતની ઘોષણા કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન દેશભરમાં રાજનૈતિક હિંસા ફાટી નીકળી હતી. જેમાં ૧૭ લોકોના મોત નિપજયાની માહિતી મળી રહી છે. આવામી લીગના વિજય બાદ વિપક્ષીઓએ વોટીંગમાં ગડબડ થઈ હોવાનું કહેતા ફરીથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી અને સવિશેષ આરોપ પણ લગાવ્યો હતો કે, ચૂંટણીમાં મતદાન સમયે ઘણીખરી ભુલો અને ગડબડ પણ થઈ છે.
સુત્રોના જણાવ્યાનુસાર આવામી લીગના નેતૃત્વમાં બનેલા મહાગઠબંધન દ્વારા ૩૦૦ સીટોમાંથી ૨૬૬ સીટો પર જબરદસ્ત જીત હાસીલ કરી છે. આવામી લીગની વાત કરવામાં આવે તો લીગે એકલા હાથે ૨૬૬ સીટો પર જીત હાસલ કરી હતી. જયારે સહયોગી પાર્ટીઓએ ૨૧ સીટો પર પોતાનો કબજો મેળવ્યો હતો. આ સમય દરમિયાન વિપક્ષી ગઠબંધન એટલે નેશનલ યુનિટી ફ્રન્ટને માત્ર ૭ સીટો પર જ વિજય પ્રાપ્ત કર્યો હતો.
બાંગ્લાદેશના ચૂંટણી કમિશને જણાવતા કહ્યું હતું કે, શેખ હસીનાને પોતાની સીટ દ.પશ્ર્ચિમી ગોપાલગંજમાં ૨,૨૯,૫૩૯ મતો મળ્યા છે. જયારે તેમના નજીકના પ્રતિદ્વન્દિ જે બીએનપી પક્ષના ઉમેદવાર છે તેઓને માત્રને માત્ર ૧૨૩ મત જ મળ્યા છે. તેને જોઈ એવું લાગી રહ્યું છે કે, શેખ હસીના ખરા અર્થમાં લોકોમાં લોકપ્રિય નેતા છે કે પછી કોઈ ગડબડ થઈ છે.
બાંગ્લાદેશની વિપક્ષી પાર્ટી એનયુએફ ગઠબંધને ચૂંટણીના નિર્ણયોને માનવાથી ઈન્કાર કરી દીધો છે અને સરકારના નેતૃત્વમાં ફરીથી તટસ્થ રીતે ચૂંટણી યોજવાની માંગ પણ કરી છે. એનયુએફની વાત કરીએ તો એનયુએફ ઘણી પાર્ટીઓ સાથે ગઠબંધનથી જોડાયેલી છે. જેમાં બીએનપી, ગોનોફોરમ, જાતિય, સમાજ તાંત્રીક દલ, નાગોરીક ઓએકીયા અને કૃષક શ્રમિક જનતા દલનો પણ સમાવેશ થાય છે. એનયુએફના સંયોજક અને વરિષ્ઠ વકીલ કમાલ હુશેને જણાવ્યું હતું કે, પક્ષે ચૂંટણીના પરિણામોને નકારી કાઢયા છે અને સ્પષ્ટપણે તટસ્તાથી ચૂંટણી યોજવાની માંગ પણ કરી છે અને જણાવ્યું હતું કે, તમામ સેન્ટરો ઉપર ગડબડ થઈ હોવાનું પણ એનયુએફ ગઠબંધનને માહિતી મળી છે.
શેખ હસીના ફરીથી પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યાં છે જે રાજનૈતિક કારણોસર ભારત માટે ખુબજ લાભદાયી અને ઉપયોગી નિવડશે. જેનું એકમાત્ર કારણ એ છે કે, શેખ હસીનાની અવામી લીગ પાર્ટી ભારત માટે હરહંમેશ કુણુ વલણ દાખવ્યું છે.
બાંગ્લાદેશમાં રવિવારે આવેલા ચૂંટણી નિર્ણયો બાદ પ્રધાનમંત્રી શેખ હસીનાની જબરદસ્ત જીત થઈ છે. તેમની પાર્ટી ૩૦૦ સદસ્યની સંસદ સદનમાં ૧૫૧ જાદૂઈ આંકડાને પાર કરી શકે તેમ છે. પરંતુ ચૂંટણી દરમિયાન ૧૭ જેટલા લોકોના મોત પણ નિપજયા છે. જયારે તમામ વિપક્ષોએ ચૂંટણીને ફરીથી યોજવા માટે માંગણી પણ કરી છે અને ચુનાવી આંકડાને નકારી પણ કાઢયા છે. ચૂંટણી આયોગના આધારે ૩૦૦ સંસદીય સીટોમાંથી ૨૯૯ સીટો માટે ચૂંટણી યોજાય છે જેના માટે ૧૮૪૮ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ચૂંટણી માટે ૪૦,૧૮૩ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ત્યારે એક ઉમેદવારના નિધનના કારણે તે સીટ પર ચૂંટણી લડાય ન હતી.