ચૂંટણી કામગીરી સાથે રોકાયેલી ટિમોને વિશેષ સત્તા
ફ્લાઈંગ સ્ક્વોડના 24 અધિકારીઓને પાવર મળી ગયા : સ્ટેટિક ટીમના 24 અધિકારીઓ અને 250 ઝોનલ ઓફિસરોના પાવર 12 એપ્રિલથી શરૂ થશે : તમામ 8 મે સુધી પાવરનો ઉપયોગ કરી શકશે
ચૂંટણી કામગીરી સાથે રોકાયેલ 298 અધિકારીઓને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના પાવર સોંપવાનો જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઓર્ડર કર્યા છે. જેમાં ફ્લાઈંગ સ્ક્વોડના 24 અધિકારીઓને પાવર મળી ગયા છે. જ્યારે સ્ટેટિક ટીમના 24 અધિકારીઓ અને 250 ઝોનલ ઓફિસરોના પાવર 12 એપ્રિલથી શરૂ થશે.
રાજકોટ જિલ્લામાં આચારસંહિતાની અમલવારી માટે ખાસ 8 ટિમ બનાવવામાં આવી છે. આ સાથે જિલ્લામાં 24 ફ્લાઈંગ ટિમ, 24 સ્ટેટિક સર્વેલન્સ ટિમ, 16 વિડીયો સર્વેલન્સ ટિમ અને 8 વિડીયો વ્યુઇંગ ટિમ કાર્યરત છે. જિલ્લા કલેકટર દ્વારા તમામ ફ્લાઈંગ સ્કોવડના 24 અધિકારીઓને એક્ઝિક્યુટ પાવર ડેલીગેટ કર્યા છે. 1 વિધાનસભામાં 3 ફ્લાઈંગ સ્ક્વોડ છે. ત્રણેય ટીમોમાં એક – એક અધિકારીઓને એક્ઝિક્યુટ મેજિસ્ટ્રેટના પાવર અપાયા છે.
જ્યાંરે સ્ટેટિક ટીમના 24 અધિકારીઓ અને ઝોનલ ઓફિસર તરીકે નિયુક્ત થયેલા 250 અધિકારીઓને પાવર ડેલીગેટ કરવાના ઓર્ડર થઈ ગયા છે. પણ તેઓ પાવરનો ઉપયોગ તા.12 એપ્રિલથી 8 મે સુધી કરી શકશે. ચૂંટણી અન્વયે ભારતીય ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ કામગીરી માટે નિયુક્ત નોડલ અધિકારી, ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમની વિવિધ કલમો હેઠળ સ્પેશિયલ મેજિસ્ટ્રીઅલ પાવર આપવામાં આવે છે.
ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ હેઠળ નિયુક્ત થયેલા અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 44 હેઠળ અરેસ્ટ બાય મેજિસ્ટ્રેટ, કલમ 103 હેઠળ ટુ ડાયરેકટ સર્ચ ઇન હિઝ પ્રેસન્સ, કલમ 104 હેઠળ પાવર ટુ ઇમ્પાઉન્ડ એની ડોક્યુમેન્ટ એન્ડ થીંગ્સ, કલમ 129 હેઠળ ડિસપાર્સલ ઓફ એસેમ્બલી બાય યુઝ ઓફ સિવિલ ફોર્સ અને કલમ 144 હેઠળ ટુ ઇસ્યુ ટેમ્પરરી ઓર્ડર ઇન અરજન્ટ કેસ ઓફ ન્યુસન્સ ઓર અ પ્રિહેનડેન્ટ ડેન્જરના પાવર આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ 24 ફ્લાઈંગ સ્ક્વોડમાં મેદાનમાં ઉતરી ગઈ છે. તેઓ દ્વારા આચાર સંહિતાની ચુસ્ત અમલવારી થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.જ્યારે તા.12થી સ્ટેટિક સર્વેલન્સ ટિમ પણ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે. આ ઉપરાંત કલેકટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. જ્યાં આચારસંહિતા ભંગ સહિતની અનેક ફરિયાદોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.