સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં મેગા એન્ટી પ્લાસ્ટીક ડ્રાઈવ: વેપારીઓમાં ફફડાટ
શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના ઉપયોગ, વેંચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આજે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાની સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોન કચેરીની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિબંધીત ૨૯૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. અને રૂ.૧.૦૫ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ ઝીંઝાળાની આગેવાનીમાં આજે શહેરના વોર્ડ નં.૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭ના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ અને પ્રતિબંધીત પ્લાસ્ટીક ચેકિંગ અને જાહેરમાં ન્યુશન્સ કરતા આસામીઓને દંડ ફટકારવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૮૬ વેપારીઓ પાસેથી આશરે ૧૫૦ કિલો પ્લાસ્ટીક મળી આવ્યું હતું જે જપ્ત કરી લેવાયું હતું અને રૂ.૫૩૪૧૮નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૪,૫,૬,૧૫,૧૬ અને ૧૮માં સંતકબીર રોડ, ૮૦ ફૂટ રોડ, કોઠારીયા રોડ, કુવાડવા રોડ અને ભાવનગર રોડ પર એન્ટી પ્લાસ્ટીક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૩૮ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે વેપારીઓ પાસેથી ૪૩૧૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાના પ્લાસ્ટીકના ૨૬૧૫૦ કપ જપ્ત કરાયા છે.
વેસ્ટ ઝોનમાં મવડી મેઈન રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ, સાધુ વાસવાણી રોડ સહિતના રાજમાર્ગો પર હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ૩૮ આસામીઓને ત્યાંથી ૬.૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક ઝડપાતા રૂ.૧૪૫૫૦નો દંડ વસુલ કરાયો હતો.