- આઈબીમાં 1000, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4500 જેટલી અને પોલીસ તંત્રમાં 23,516 જગ્યાઓ ખાલી
તાજેતરમાં ગૃહ વિભાગે હાઇકોર્ટમાં એક સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં રાજ્યના પોલીસ તંત્રમાં હાલના તબક્કે આશરે 29 હજાર જેટલી જગ્યાઓ ખાલી હોવાનું ગૃહ વિભાગે જણાવ્યું છે. વધુમાં ગૃહ વિભાગે એવુ પણ જણાવ્યું છે કે, કુલ 29 હજાર જગ્યાઓ પૈકી 12 હજાર ખાલી જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. હવે જો આ જગ્યાઓ પર તાત્કાલિક અસરથી ભરતી કરી લેવામાં આવે તો પણ 17 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે.
કોમી તોફાન દરમિયાન જાહેર મિલ્કત અને જાનમાલને થતી નુકસાની અટકાવવા પોલીસની ભૂમિકા સહીતના મુદ્દે નામદાર હાઇકોર્ટમાં થયેલી સૂઓમોટો પીઆઈએલમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે.
જે સોગંદનામામાં ગૃહ વિભાગે જણાવ્યું છે કે, પોલીસ તંત્રમાં હાલના તબક્કે 29 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. જે પૈકી 12 હજાર જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરી દેવામાં આવી છે.
નામદાર હાઇકોર્ટે તોફાનો વખતે જાહેર મિલ્કતને નુકસાન થાય છે તો તે માટે અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં કોઈ કાયદો છે કે કેમ? તેવો સવાલ રાજ્ય સરકારને પૂછ્યો હતો. તેમજ હાઇકોર્ટે આ કોર્ટ સહાયકને આ કાયદાઓ ધ્યાને મુકવા આદેશ પણ આપ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગુજરાત રાજ્યમાં ટેકનિકલ અને સ્ટેટ આઈબીમાં 1000 જેટલી જગ્યાઓ ખાલી છે. ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં 4500 જેટલી જગ્યાઓ ખાલી છે અને પોલીસ તંત્રમાં 23,516 જેટલી જગ્યાઓ હાલના તબક્કે ખાલી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાઇકોર્ટે કોર્ટનાં હુકમ મુજબ કેટલી ભરતી થઇ તેવો સવાલ સરકારને પૂછ્યો છે. આ મુદ્દે જરૂરી પ્રોગેસ રિપોર્ટ રજૂ કરવા માટે હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. હાઇકોર્ટ આ મામલાની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ રાખી છે.
મહત્વપૂર્ણ બાબત છે કે રાજ્ય સરકારે અગાઉના સોગંદનામામાં જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ તંત્રમાં કુલ 21.3% જેટલી જગ્યાઓ ખાલી છે.