સાયબર ક્રાઈમને ડામવા ટેલિકોમ વિભાગ એક્શનમાં સાયબર સ્કેમર્સનું નેટવર્ક તોડી પાડવાના આશયથી ટેલિકોમ વિભાગ, ગૃહમંત્રાલય અને રાજ્યોની પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી
દેશમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તેવામાં આ દુષણને ડામવા કેન્દ્ર સરકારનો ટેલિકોમ વિભાગ એક્શનમાં આવ્યો છે. ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓને 28200 મોબાઈલ ફોન બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ આ હેન્ડસેટ સાથે સંકળાયેલા 20 લાખ મોબાઈલ નંબરોની ફરીથી તપાસ કરવા પણ જણાવ્યું છે.
દેશમાં સાયબર ક્રાઈમ અને નાણાકીય છેતરપિંડીમાં ટેલિકોમ સંશાધનોનો દુરુપયોગ રોકવા માટે સરકારે ટેલિકોમ કંપનીઓને આ નિર્દેશ આપ્યા છે. ટેલિકોમ મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે, ડિજિટલ જોખમોથી નાગરિકોની સુરક્ષા અને કૌભાંડીઓનું નેટવર્ક તોડી પાડવાના આશયથી ટેલિકોમ વિભાગ, ગૃહમંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા મળીને સંયુક્ત રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રાલય અને રાજ્ય પોલીસની તપાસમાં જણાયું હતું કે, 28200 મોબાઈલ હેન્ડસેટનો સાયબર ક્રાઈમમાં ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાર પછી ટેલિકોમ વિભાગની તપાસમાં જણાયું કે, આ મોબાઈલ ફોન પરથી 20 લાખ જેટલા નંબરોનો ઉપયોગ કરાઈ રહ્યો હતો. આ તપાસ પછી હવે ટેલિકોમ વિભાગે આ મોબાઈલ ફોનને આખા દેશમાં બ્લોક કરવા માટે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે. સાથે જ આ ફોન સાથે સંકળાયેલા 20 લાખ મોબાઈલ નંબરોની તુરંત ફરીથી તપાસ કરવા માટે પણ જણાવાયું છે. પુન: તપાસમાં આ નંબર યોગ્ય નહીં હોવાનું જણાય તો તેને પણ બંધ કરી દેવાનો આદેશ ટેલિકોમ કંપનીઓને ટેલિકોમ વિભાગ દ્વારા અપાયો છે.
ટેલિકોમ વિભાગે ટેલિકોમ છેતરપિંડી સંબંધિત ફરિયાદો સાંભળવા માટે બે મહિના પહેલા ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ લોન્ચ કર્યા બાદથી વિભાગે સમગ્ર દેશમાં નાણાકીય છેતરપિંડીના ઈરાદાથી એસએમએસ મોકલનારા બાવન એકમોને બ્લેકલિસ્ટ કરી દીધા હતા, 348 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરી દીધા હતા અને 10834 શકમંદ મોબાઈલ નંબર્સની પુન: તપાસના નિર્દેશ આપ્યા હતા.
સરકારનું કહેવું છે કે આ પગલું લોકોની સુરક્ષા અને ડિજિટલ દુનિયાને સુરક્ષિત બનાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે. ટેલિકોમ વિભાગે આ પહેલા પણ મંગળવારે આવો જ એક ફોન નંબર બંધ કરી દીધો હતો, જેનો ઉપયોગ નાણાકીય કૌભાંડમાં કરવામાં આવી રહ્યો હતો. સાથે જ આ નંબર સાથે સંકળાયેલા 20 મોબાઈલ ફોન પણ બ્લોક કરી દેવાયા હતા.
આ વર્ષે એપ્રિલ સુધીમાં 1.66 કરોડ મોબાઈલ કનેક્શન ડિસ્કનેક્ટ કરી દેવાયા
ઉપરાંત ટેલિકોમ વિભાગે સાયબર ગુના અને નાણાકીય છેતરપિંડીમાં સંડોવણી અથવા મોબાઈલ કનેક્શન લેવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાના કારણે 1.58 લાખ યુનિક મોબાઈલ ડિવાઈસ આઈડેન્ટિફિકેશન નંબર આઈએમઈઆઈ બ્લોક કરી દીધા છે. આ વર્ષે 30 એપ્રિલ સુધીમાં ટેલિકોમ વિભાગે 1.66 કરોડ મોબાઈલ કનેક્શન ડિસકનેક્ટ કરી નાંખ્યા છે, જેમાંથી 30.14 લાખ કનેક્શન યુઝર્સના ફીડબેકના આધારે ડિસકનેક્ટ કરાયા છે તથા નવા સીમ કાર્ડ ખરીદવાની વ્યક્તિગત મર્યાદા વધી જવાના કારણે 53.78 લાખ કનેક્શન ડિસકનેક્ટ કરાયા છે.