સરકાર સિરામિક ઉદ્યોગ પરનો જીએસટી હળવો કરવાના મૂડમાં: ૯મીએ સત્તાવાર જાહેરાત થાય તેવી શકયતા

કેન્દ્ર સરકાર દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગ પર ઝીકવામાં આવેલ ૨૮% જીએસટીને કારણે હાલમાં આ ઉદ્યોગની કરોડરજ્જુ ભાંગી ગઈ છે ત્યારે આગામી બે દિવસમાં સીરામીક પ્રોડક્ટસ પરનો ટેક્સ ઘટાડી ૧૮ ટકા કરવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો મળતા સીરામીક ઉદ્યોગકારોમાં આંનદની લાગણી પ્રસરી છે.

નાણાંપ્રધાન અરૂણ જેટલીના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક આગામી નવમી અને ૧૦મી નવેમ્બરના દિવસે ગુવાહાટીમાં મળનાર છે. જેમાં સરકાર નાના કારોબારીઓ અને વેપારીઓને પડી રહેલી તકલીફોનો ઉકેલ લાવી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં સામાન્ય ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડી દઇને સામાન્ય લોકોને મોટી રાહત આપવામાં આવે તેવી શક્યતા છે.  વેપારીઓ માટે તેમાં ટેક્સ રાહતની જાહેરાત કરવામાં આવી શકે છે આ બેઠકમાં ફર્નિચર,પ્લાસ્ટિક સહિત મોટા ભાગની કાયમી જરૂરિયાત વળી ચીજ વસ્તુઓ જે ૨૮% સ્લેબમાં છે તે ૧૮% કરવામાં આવે તેવી સંમતિ સધાઈ છે અને સીરામીક પ્રોડકટસનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા એક રાષ્ટ્ર એક ટેક્સના સૂત્ર સાથે દેશભરમાં અમલી બનાવેલ જીએસટી માળખામાં સિરામિક પ્રોડક્ટ લકઝરી આઈટમ ન હોવા છતાં લકઝરી આઈટમ ગણી સૌથી ઉંચા ટેક્સ સ્લેબમાં આવરી લેતા મોરબીના સીરામીક ઉદ્યોગની કેડ ભાંગી નાખી છે.

નોટબંધી બાદ માંડ બેઠા થયેલા સીરામીક ઉદ્યોગ પર ૨૮ ટકા જીએસટીનું તોતિંગ ભારણ આવતા હાલમાં ૪૦%થી વધુ સીરામીક ફેક્ટરીઓ બંધ થવા પામી છે અને મોટાભાગની ફેક્ટરીઓ મનીક્રાઇસિસનો સામનો કરી રહી છે.

જો કે આ મામલે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા વખતો વખત કેન્દ્ર- રાજ્ય સરકારમાં રજૂઆતો કરી દિલ્હી નાણાંમંત્રી સુધી ટેક્સ ભારણ હળવું કરવા ધા નાખવામાં આવી હતી પરંતું રજૂઆતની કોઈ જ અસર થઈ ન હતી,ઉપરાંત સરકાર દ્વારા છેલ્લે જીએસટીની સમીક્ષા બાદ મારબલ સહિતની આઇટમોમાં જીએસટી ઘટ્યો ત્યારે પણ સિરામિક ઉદ્યોગની આશા ઉપર પાણી  ફરી વળ્યું હતું.દરમિયાન અત્યંત સુમાહિતગર વર્તુળોના જણાવ્યા મુજબ આગામી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સિરામિક ઉદ્યોગને રાજી કરવા સરકારે  મન બનાવી લીધું છે અને સિરામિક ઉદ્યોગ પર નાખવામાં આવેલા ૨૮ ટકાના ભારેખમ જીએસટીને બદલે ટેક્સ હળવો કરી ૧૮ ટકા કરવા નક્કી કરાયું છે અને સંભવત: આગામી તારીખ ૯ ના રોજ આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વધુમાં જીએસટી ઘટવાથી સીરામીક ઉદ્યોગને મોટો ફાયદો થાય તેમ હોવાથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં આનંદની લાગણી છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.