6 મહિના બાદ ઓનલાઇન ગેમિંગ પર જીએસટી દ્વારા રિવ્યુ બેઠક યોજાશે
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 51મી બેઠકમાં કેસિનો, ઓનલાઈન ગેમ પરનો 28 ટકા જીએસટી યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે ચર્ચા હતી કે બેઠકમાં આ બે સર્વિસ પરનો જીએસટી ઘટાડવામાં આવી શકે છે પરંતુ કાઉન્સિલે કોઈ રાહત નથી આપી, રાહતની વાત ગણો તો સમય છે કારણ કે કાઉન્સિલે કેસિનો, ઘોડદોડ અને ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા જીએસટી લાગુ પાડવાની તારીખ 1 ઓક્ટોબર ગણાવી છે એટલે કે હજુ જીએસટી લાગુ પડવામાં 2 મહિના જેટલો સમય છે.
જીએસટી કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં સીતારામણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા ટેક્સ 1 ઓક્ટોબરથી લાગુ થશે. જોકે લાગુ પડ્યાંના 6 મહિના બાદ એટલે કે એપ્રિલ 2024માં 28 ટકા જીએસટીની સમીક્ષા થશે અને તે પ્રમાણે આગળનો નિર્ણય લેવામાં આવશે. બેઠકમાં હાજર રહેલા રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાએ કહ્યું કે બેટિંગ (સટ્ટેબાજી) પણ જીએસટીને અધીન છે અને તેનાથી તે કાયદેસર બનતો નથી. બેટિંગ અને ગેમ્બલિંગ ગેરકાયદેસર છે અને તેની પર ટેક્સ લાગે છે. ઓનલાઈન ગેમિંગ પરનો ટેક્સ તેને કાનૂની રીતે માન્ય નહીં બનાવે એવા રાજ્યોમાં કે જ્યાં તે પ્રતિબંધિત છે.
મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર સહિત અન્ય રાજ્ય 28 ટકા ટેક્સના પક્ષમાં છે. જીએસટીની બેઠકમાં ઓનલાઇન ગેમિંગના રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ રાજ્યોએ 28 ટકા દરને રિવ્યૂ કરવાની બેઠકમાં માંગ ઉઠાવી હતી. આ માંગ દિલ્હી, ગોવા અને સિક્કિમ તરફથી કરવામાં આવી હતી. બેઠકમાં વિદેશી ગેમિંગ કંપનીઓ પર પણ કડક પ્રતિબંધ મુકવા સહમતિ બની છે. જીએસટી કાઉન્સિલ 6 મહિના પછી ઓનલાઇન ગેમિંગ પર જીએસટીની કિંમતનો રિવ્યૂ કરશે.