સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ ચોકઓપ અને ઓવરફલો થવાની: લાઈટીંગની પણ વ્યાપક ફરિયાદ
રાજકોટવાસીઓએ સામાન્ય ફરિયાદ માટે કોર્પોરેશન કચેરી સુધી લાંબુ થવું ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા પીન આધારીત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે.
જેમાં એક મહિનામાં 27951 ફરિયાદો નોંધાઈ છે. જે પૈકી 808 ફરિયાદો અલગ અલગ ત્રણ લેવલે સોલ્વ ન થવાના કારણે કમિશનર સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેશનની પિન આધારિત ફરિયાદ નિવારણ સેવા તેમજ ટોલ ફ્રી નં.1800-123-1993નો શુભારંભ આશરે 1 મહિના પહેલા કરવામાં આવ્યો હતો. શહેરીજનોની સુખાકારી માટેની અને ફરિયાદોના ફીડબેકની સુવિધા સભર આ સેવાનો લોકો દ્વારા લેવામાં આવેલ લાભ અને મહાનગરપાલિકા દ્વારા તે પરત્વે કરવામાં આવેલ કાર્યવાહીની માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ જણાવે છે કે, એક માસ મહેલા મહાપાલિકા દ્વારા આ સેવાનો શુભારંભ કરવામાં આવેલ ત્યારથી આજ દિન સુધીમાં મહાનગરપાલિકાના જુદા જુદા 29 વિભાગોની લગભગ 27,951 ફરિયાદો રજિસ્ટર થઈ છે તે પૈકી 26,074 ફરિયાદોનો નિકાલ કરવામાં આવેલ છે. આ ફરિયાદો પૈકી 10,201 ફરિયાદો ડ્રેનેજ ચોકઅપ અને ઓવરફ્લો અંગેની, 6,274 ફરિયાદો રોશની અંગેની 3,668 ફરિયાદો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની,2,795 ફરિયાદો પાણી-પુરવઠા અંગેની 1,516 ફરિયાદ બાંધકામ અંગેની આવેલ હતી. આ ફરિયાદો પૈકી લગભગ 93% ફરિયાદોનો નિકાલ થઇ ગયેલ છે.
હાલમાં લેવલ 1 થી 4ના અધિકારીઓ પાસે કુલ 1877 ફરિયાદો પેન્ડીંગ છે. આમ એકંદર જોતા લોકો દ્વારા આ સેવાનો ખૂબ બહોળા પ્રમાણમાં લાભ લેવામાં આવેલ છે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ફરિયાદોનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવી છે.