રૂા.50.23 લાખનું ભાડુ ચડત થતાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનું આકરું પગલું: ખાલસા થયેલા થડાઓની ફરી હરાજી કરાશે
શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 7 શાકમાર્કેટમાં થડો ધરાવતા વેપારીઓને નિયત કરેલું ભાડુ ભરપાઈ કરવા માટે વારંવાર તાકીદ કરવા છતાં ભાડુ ન ભરનાર 272 થડાઓની ફાળવણી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનાં આદેશ બાદ રદ કરવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ખાલસા થયેલા થડાની પુન: ફાળવણી માટે હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરની અલગ-અલગ 7 શાકમાર્કેટોમાં 272 થડા ધારકો પાસે ભાડા પેટે રૂા.50.23 લાખ બાકી નિકળતા હતા. વારંવાર તાકીદ કરવા છતાં આ રકમ ભરપાઈ ન કરનાર થડાધારકો સામે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આકરી કાર્યવાહી કરી છે. જયુબેલી શાકમાર્કેટમાં ભાગ-1માં 35 થડા, જયુબેલી શાકમાર્કેટ ભાગ-2માં 22 થડા, જયુબેલી નાળીયેર માર્કેટમાં 18 થડા, ભોજા ભગવત માર્કેટમાં 35 થડા, લાખાજી માર્કેટમાં 118 થડા, ગોવિંદબાગ શાકમાર્કેટમાં 23 થડા અને હુડકો શાકમાર્કેટમાં 11 થડા સહિત 272 થડા-વખારો રદ કરી ખાલસા કરવામાં આવ્યા છે જે અન્ય લાભાર્થીઓને ફાળવવા માટે આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે.