સુધારા બાદ નવી ડિઝાઇન પણ આપી દેવા છતાં રેલવે વિભાગ દ્વારા એનઓસી અપાતી નથી: વાહન ચાલકોએ લાંબી હાડમારી વેઠવી પડશે
શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલનું નવિનીકરણ કરવા માટે કોર્પોરેશન દ્વારા ડિઝાઇન કરી રેલવે વિભાગ સમક્ષ મંજૂરી અર્થે મૂકી દેવામાં આવી છે. રેલવે દ્વારા જે સુધારા સૂચવવામાં આવ્યા હતા તે સુધારા કરીને પણ નવી ડિઝાઇન આપી દેવામાં આવી હોવા છતાં રેલવે વિભાગ એનઓસી આપતું નથી. સાંઢીયા પુલના નવીનીકરણ માટે 54 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. જે અંતર્ગત 2023-2024ના બજેટમાં 27 કરોડ ફાળવવામાં આવશે. રેલવેની મંજૂરી મળ્યા બાદ ટેન્ડર પ્રસિદ્વ કરવા, મંજુર કરવું અને વર્ક ઓર્ડર આપ્યા બાદ નિર્માણ કામમાં બે વર્ષથી પણ વધુ સમય નીકળી જશે. એટલે વાહન ચાલકોએ લાંબી હાડમારી વેઠવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે.
જામનગર રોડ પર સાંઢીયા પુલનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું છે. અહિં ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને બ્રિજની બંને બાજુ એંગલ પણ ફીટ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચુંટણી પહેલા કોર્પોરેશન દ્વારા બ્રિજના નવીનીકરણની ડિઝાઇન તૈયાર કરી રેલવે સમક્ષ રજુ કરી દેવામાં આવી છે. જેમાં કુલ 60 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે.
જે પૈકી રેલવે વિભાગમાં જે કામ કરવાનું થાય છે તેનો 6 કરોડનો ખર્ચ રેલવે આપશે તેવો અંદાજ રાખી બ્રિજના નિર્માણ માટે 54 કરોડનો ખર્ચ થવાની સંભાવના સાથે આગામી વર્ષના બજેટમાં 27 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. ડિઝાઇન રજૂ કરાયા બાદ રેલવે વિભાગે બ્રિજ પર ફૂટપાથ બનાવવાની માંગણી કરી હતી અને નવી ડિઝાઇન તૈયાર કરવા સૂચન કર્યું હતું. જે કોર્પોરેશન દ્વારા રજૂ કરી દેવામાં આવ્યું છે.
છતાં હજુ સુધી રેલવે વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી. જો રેલવે વિભાગ એકાદ પખવાડીયામાં મંજુરી આપી દે તો આવતા સપ્તાહે ટેન્ડર પ્રસિદ્વ કરી શકાય કારણ કે રેલવેની મંજૂરી બાદ બ્રિજનું પુરૂં થતાં બે વર્ષનો સમય પસાર થઇ જશે.હયાત ટુ લેનનો સાંઢીયા પુલ ફોન લેનનો થશે અને બ્રિજની લંબાઇ આશરે 1100 મીટર આસપાસની રહેશે.