- ઇન્ડોનેશિયાથી કાળા ગુંદની આડમાં મુંબઈને પેઢીએ કરી હતી આયાત
છેલ્લા ઘણા સમયથી મુન્દ્રા બંદરે સોપારીની દાણચોરી અટકવાનું નામ લેતી ન હોય તેમ ફરી એક વખત કસ્ટમની એસઆઇબી શાખા (સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો)એ ઇન્ડોનેશિયાથી કાળા ગુંદની આડમાં આયાત થયેલ દોઢ કરોડની કિંમતનો 27.81 મેટ્રિક ટન સોપારીનો જથ્થો ઝડપી લીધો હતો.
મુન્દ્રા પોર્ટના કસ્ટમ હાઉસ માંથી સત્તાવાર જાહેર કરાયેલ વિગતમાં મુંબઈ સ્થિત પેઢીએ ઉપરોક્ત જથ્થો આયાત કર્યો હોવા સાથે ટૂંકા ગાળામાં કસ્ટમે 10.38 કરોડનો 172.39 મે ટન સોપારીનો જથ્થો કબ્જે કર્યા ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષમાં તેનો આંક પંદર કરોડને આંબી ગયો હોવાનું ટાંકી હાલ સમગ્ર મુદ્દે તલસ્પર્શી તપાસ જારી હોવાનું જણાવ્યું છે.
અન્ય વસ્તુઓની આડમાં વિદેશથી આવેલા કન્ટેનરમાં સોપારીનો જથ્થો હતો. ઇન્ડોનેશિયાથી આવેલા કન્ટેનરની તપાસ કરતા તેમાંથી સોપારી મળી આવી હતી. કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ દ્વારા આયાતી માલસામાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં 27.81 મેટ્રિક ટન સોપારી જેની ટેરિફ કિંમત અંદાજે રૂ.1.50 કરોડ છે.
દાણચોરો સામે એજન્સી દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે સોપારીની આયાતમાં ટેક્સ ન ચુકવીને દાનચોરી કરવામાં આવે છે. મુંબઇના કેટલાક આયાતકારો આ ગોરખધંધા કરી રહ્યાં છે. આ સોપારી વિદેશથી અંદાજે 100 રૂપિયા કિલોના ભાવથી લવાય છે અને અહીં તે 400 થી લઇને 500 રૂપિયે કિલોના ભાવે વેચાય છે, સોપારીમાં મોટો નફો હોવાને કારણે દાનચોરો સક્રિય બન્યાં છે. મુદ્રા પોર્ટ પરથી અગાઉ પણ સોપારીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં પકડાયેલી સોપારીને લઇને એ નક્કિ છે કે હજુ પણ દાણચોરોની ગેંગ અહીં સક્રિય છે. આ ગેંગ અન્ય વસ્તુઓની આડમાં પોર્ટ પર સોપારી ઉતારી રહી છે.