શહેરના રાજમાર્ગો પર ફરશે રાષ્ટ્ર ગૌરવ યાત્રા; યુવાનો સાથે બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાશે; દેશ પ્રેમીઓને જોડાવા સમિતિનું આહવાન; મહિલા વીંગ ‘અબતક’ના આંગણે
ઝંડા ઉંચા રહે હમારા
૨૬મી જાન્યુઆરીના રોજ રાજકોટના રાજમાર્ગ પર રાષ્ટ્ર ગૌરવ યાત્રશ નીકળશે જે રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા કાઢવામાં આવશે. આ યાત્રા સવારે ૮.૩૦ કલાકે પ્રસ્થાન થશે.આ યાત્રા દેશ પ્રેમ અને દેશ ભકિત જાગૃત કરવા માટે કાઢવામાં આવે છે. યાત્રામાં ૨૦૦ ફૂટનો રાષ્ટ્ર ધ્વજ, ભારત માતાનો મુખ્ય રથ અને દેશ માટે શહીદ થનાર શહીદો માટે શહીદ કુટીર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.
યાત્રામાં ૫૦૦થી વધુ બાઈક સાથે યુવાનો મહિલાઓ જોડાશે. આ વર્ષ મહિલાઓ ખુબ ઉત્સાહથી યાત્રામાં જોડાશે. યાત્રામાં બહેનો મોટી સંખ્યામાં જોડાય તેના માટે મહિલા વિંગ બનાવેલ છે. જેમાં સોનલબેન દવે, નમ્રતાબેન સોની, નિમિષાબેન મુલયાણા, પુજાબેન પટેલ, જાગૃતિબેન ખીમાણી, હિરલબેન કણઝારીયા, નિશાબેન ઠુમ્મર સહિત અન્ય બહેનો આ યાત્રામાં જોડાઈ યાત્રાની શોભા વધારશે. આ યાત્રામાં મહિલાઓએ જોડાવવા માટે મો.નં. ૯૪૨૭૮૯૪૩૨૫ પર સંપર્ક કરવો.
રાજકોટની જુદી જુદી રાષ્ટ્ર પ્રેમી સંસ્થાઓ, સામાજીક સંગઠ્ઠનો,સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ મહિલાઓ સહિત પ્રબુધ નાગરીકો યાત્રામાં જોડાશે. રાષ્ટ્ર ગૌરવ યાત્રાનો રૂટ રાજકોટ રામાપીર ચોકથી રામનાથપરા ગરૂડ ગરબી ચોક સુધીનો રહેશે. યાત્રા બાદ સમાપન સ્થળે સમુહ રાષ્ટ્રગાન ગાવામાં આવશે.
આ વર્ષે આ યાત્રાનું દ્વિત્ય વર્ષ છે જેમાં ગયા વર્ષ કરતા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી ભાઈ બહેનો જોડાઈ યાત્રાની શોભા વધારશે. આ યાત્રાનું સંચાલન ભારતીય સેનાના જવાન દ્વારા કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે ગયા વર્ષે ભાવનગરમાં ૫૧ ફૂટના ભારતમાતાના ધ્વજ સાથે રેકોર્ડ સર્જાયો છે. ત્યારે આ વર્ષે રાજકોટમાં ૨૦૦ ફૂટના ધ્વજ સાથે ગૌરવવંતો રેકોર્ડ બનાવવાનો લક્ષ્યાંક છે. તેમ મહિલા વીંગે ‘અબતક’ની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતુ.