વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબરે તેલ અને ગેસ ક્ષેત્રે વૈશ્વિક હસ્તીઓને સંબોધન કરવાના છે. પીએમ મોદી સાંજે 6 વાગ્યે નીતિ આયોગ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા આયોજિત આ વૈશ્વિક કાર્યક્રમને સંબોધશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તેમજ સ્ટીલ મંત્રી્ ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમના પ્રારંભિક સત્રનું સંબોધન કરશે. જે દરમિયાન ભારતીય તેલ અને કુદરતી ગેસ ક્ષેત્રમાં રહેલી તકો અને અપેક્ષા પર એક વ્યાપક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે.
ઈંધણ અને ગેસ ક્ષેત્રે ભાવિ વ્યૂહરચનાઓ અને તકો પર વિચાર વિમર્શ કરવા આ પ્રોગ્રામ દર વર્ષે યોજાય છે. જેમાં બહોળી સંખ્યામાં વિશ્વની ટોચની કંપનીના સીઇઓ અને હોદ્દેદારો હાજર રહે છે. આ વખતે પણ તેઓ હાજર રહી તેમના સૂચનો અને વિચારો પ્રગટ કરશે. જણાવી દઈએ કે સોમવારે યોજાનારી આ નીતિ આયોગ અને પેટ્રોલિયમ મંત્રાલયની ઈવેન્ટ 5 મી ઇવેન્ટ છે.
આ કાર્યક્રમનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ ભારત દ્વારા તેલ અને પ્રાકૃતિક ગેસ ક્ષેત્રે કરવામાં આવતા સુધારાત્મક પગલાં, રોકાણને અનુકૂળ વાતાવરણ અને વૈશ્વિક કંપનીઓ સાથે કયા સુધારણા કરવામાં આવશે તે અંગે ચર્ચા કરવાનો છે. વર્ષ 2030 સુધીમાં ભારતે આ ક્ષેત્રમાં 300 અબજ ડોલરના રોકાણનો લ્ક્ષયાંક સેવ્યો છે.
આ વૈશ્વિક કાર્યક્રમમાં અનિલ અગ્રવાલ, મુકેશ અંબાણી તેમજ અન્ય દેશોના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. એડનોક (એડીએનઓસી)ના સીઇઓ તેમજ ઉદ્યોગ અને અદ્યતન ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જાબીર, કતારના ઉર્જામંત્રી અને કતાર પેટ્રોલિયમના પ્રમુખ તેમજ સીઈઓ સાદ શેરીદા અલ કબી, ઓપેકના સચિવ જનરલ મોહમ્મદ સનૂસી બાર્કિન્ડો, રોઝનેફ્ટના અધ્યક્ષ અને સીઇઓ ડૉ.ઇગોર સેચિન, બીપી લિમિટેડના સીઈઓ બર્નાર્ડ લુની, ટોટલ એસએના અધ્યક્ષ અને સીઇઓ પેટ્રિક પોયે-ફ્રાન્સ, તેમજ આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના ઇડી ડૉ. ફાતિહા બિરોલ, સાઉદી અરેબિયા-આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચના સેક્રેટરી જનરલ જોસેફ મેકવાન મોનિગલ સહિતના હસ્તીઓ હાજર રહેશે.