દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્ર શરૂ થયાના પ્રથમ સપ્તાહમાં જ ખાનગી શાળા છોડી ૨૬૭૯ બાળકોએ સરકારી શાળામાં ઉત્સાહભેર પ્રવેશ મેળવ્યો છે.સરકારી શાળામાં યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો અને શિક્ષણકાર્ય પર વાલીઓનો વિશ્વાસ વધતા ખાનગી શાળામાંથી બાળકોને ઉઠાડી સરકારી શાળામાં મુક્યા છે.દેવભૂમિ દ્વારકામાં ધો. ૧ થી ૮માં સરકારી શાળામાં ૧૫૧૪ તેમજ જામનગર જિલ્લામાં ૧૧૬૫ બાળકો ખાનગી શાળામાં અભ્યાસ છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
સરકારી શાળામાં ગુટલીબાજ શિક્ષકી અને ભૂતિયા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવા સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી કરવામાં આવી છે.જેથી સમયસર શાળામાં શિક્ષકો શિક્ષણકાર્ય પણ શરૂ કરી દે છે.સરકારના શિક્ષણ પાછળના અથાગ પ્રયત્નો અને ભાર વગરનું ભણતરને વાલીઓ આવકારી રહ્યા હોય તેમ ચાલું વર્ષે નવા સત્રના પ્રથમ સપ્તાહે જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાનગી શાળા છોડી ૧૫૧૪ જેટલા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.તો જામનગર જિલ્લામાં પણ ૧૧૬૫ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળમાં આવ્યા છે. નોંધનીય છે કે,સરકાર દ્વારા ધો.૨માં નિદાન કસોટી કરીને જ બાળકોને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ત્યારે જે બાળક આગળના ધોરણ માટે લાયક ન હોય તેવા બાળકોને તમામ પ્રકારે તૈયાર કરીને જ આગળના ધોરણમાં અભ્યાસમાં મુકવામાં આવે છે.પહેલાની જેમ સરકારી શાળામાં બાળકને એક ધોરણમાંથી બીજા ધોરણમાં ધકેલી દેવામાં આવતું નથી.પરિણામે વાલીઓનો સરકારી શાળા પરનો વિશ્વસા દ્રઢ બન્યો છે.