જિલ્લામાં ખનીજ વહન માટે ઉપયોગમાં લેવાતાં વાહનોના રજિસ્ટ્રેશનમાં લીઝ ધારકો ઢીલા ઢફ સાબિત થયા છે. જિલ્લામાં લીઝની સંખ્યા 265 છે. સામે હાલ સુધી 32 જ વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે.
વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ લગાવા માટે રજિસ્ટ્રેશન કરવા 30 સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો હતો, છતાં સંતોષકારક નોંધણી ન થતા વધુ એક મહિનો લંબાવાયો
રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ લાગાવવાની મુદ્દત તા. 01 નવેમ્બર-2023 સુધી એટલે કે એક માસ વધારવામાં આવી છે. રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળયેલા તમામ વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ લગાવાનું ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એન્ડ-યુઝર રજિસ્ટ્રેશન અંતર્ગત વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ લગાવવાની કામગીરી 60 દિવસમાં એટલે કે તા. 30 સપ્ટેમ્બર-2023 સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ આ અંગે વિવિધ એશોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનને લઈ વિટીડી લગાવવાની મુદ્દત તા. 01 નવેમ્બર-2023 સુધી વધારવામાં આવી છે.
જો કે રાજકોટ જિલ્લામાં 261 રેતી કપચીની લીઝ અને 4 માઇનિંગની મોટી લીઝ છે. આમ કુલ 265 લીઝ છે. એક અંદાજ મુજબ અંદાજે 750 વાહનો આ લીઝ ધારકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાંથી હાલ સુધી માત્ર 32નું જ રજિસ્ટ્રેશન થયું છે. ઉલ્લેખનીય છે કે હવે થોડા દિવસો બાકી રહ્યા છે. તેવામાં ખનીજ વહન કરતા વાહનોનું 100 ટકા રજિસ્ટ્રેશન કરવું તંત્ર માટે પડકારજનક બન્યું છે.