લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનમાં કાલે ૧૪ રાજ્યોની ૧૧૫ બેઠકો
માટે મતદાન: હીટવેવની આગાહીને કારણે મતદાનની ટકાવારી ઓછી રહેવાની શક્યતા
રાજયનાં ૪.૫૧ કરોડ મતદાતાઓ ૩૭૧ ઉમેદવારોનાં રાજકીય ભાવી નકકી કરશે: ત્રીજા તબકકાનાં મતદાનમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિતનાં દિગ્ગજોનાં ભાવી થશે ઈવીએમમાં સીલ
કાલે ત્રીજા તબકકાનું મતદાન પૂર્ણ થતાં લોકસભાની ૫૪૩ પૈકી ૩૦૩ બેઠક માટે મતદાન થશે સંપન્ન: ૨૩મી મેએ મતગણતરી
લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબકકાનાં મતદાનમાં આવતીકાલે મંગળવારે ગુજરાત સહિત દેશનાં ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે મતદાન યોજાશે. ગુજરાતની લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે. રાજયનાં ૪.૫૧ કરોડ મતદારો ૩૭૧ ઉમેદવારોનાં રાજકીય ભાવી નકકી કરશે.
કાલે મતદાન બાદ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ સહિતનાં દિગ્ગજ રાજકીય નેતાઓનાં ભાવી ઈવીએમમાં સીલ થશે. કાલે ત્રીજા તબકકાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ લોકસભાની ૫૪૩ પૈકી ૩૦૩ બેઠકો માટે મતદાન પ્રક્રિયા સંપન્ન થશે. અન્ય ૪ તબકકાનાં મતદાનમાં બાકી રહેતી ૨૪૦ બેઠકો માટે ૨૯ એપ્રીલ, ૬ મે, ૧૨ મે અને ૨૯ મેનાં રોજ મતદાન હાથ ધરવામાં આવશે. તમામ ૫૪૩ બેઠકો માટે આગામી ૨૩મી મેનાં રોજ મતગણતરી હાથ ધરાશે.
આવતીકાલે ત્રીજા તબકકાનાં મતદાનમાં ગુજરાતની ૨૬ સહિત ૧૪ રાજયોની ૧૧૫ બેઠકો માટે સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે. લોકસભાની ચુંટણી જેવો માહોલ રાજયમાં એક પણ બેઠક પર દેખાતો નથી. દરમિયાન આજથી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે કાલે ગરમીનું જોર વધશે.
આવામાં હીટવેવની આગાહીનાં કારણે મતદાન પર પણ અસર પડે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. મતદારોને બુથ સુધી ખેંચી લાવવા માટે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો માટે માથાનાં દુખાવા સમાન બની જશે. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર ૩૭૧ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે જેમાં સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સૌથી વધુ ૩૧ ઉમેદવારો અને પંચમહાલ બેઠક પર સૌથી ઓછા માત્ર ૬ ઉમેદવારો જ ચુંટણી લડી રહ્યા છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડી રહ્યા હોય ત્રીજા તબકકામાં ગુજરાતની ૨૬ બેઠકો માટે યોજાનાર મતદાન દેશભરમાં અસર કરતા બને તેવું માનવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનાં હોમટાઉન એવા ગુજરાતમાં મતદાનની ટકાવારી કેવી રહે છે તેના પર પાછલા ૪ તબકકાનાં મતદાનની ટકાવારી પર અસર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની સામાન્ય ચુંટણીમાં ભાજપે રેકોર્ડ સર્જતા રાજયની તમામ ૨૬ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. આ વખતે પણ આવા જ પરીણામનું પુનરાવર્તન કરવા ભાજપે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દીધી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે ૪ વખત આવ્યા હતા. જયારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે પણ ગુજરાતમાં ઝંઝાવાતી ચુંટણીપ્રચાર કર્યો છે.
આવતીકાલે ત્રીજા તબકકાનાં મતદાનમાં ૧૪ રાજયોની જે ૧૧૫ બેઠકો માટે મતદાન યોજાવાનું છે તેમાં આસામની ૪ બેઠક, બિહારની ૫ બેઠક, છતીસગઢની ૫ બેઠક, ગુજરાતની ૨૬ બેઠક, ગોવાની ૨ બેઠક, જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક, કર્ણાટકની ૧૪ બેઠક, કેરલની ૨૦ બેઠક, મહારાષ્ટ્રની ૧૪ બેઠક, ઓડિસાની ૬ બેઠક, યુપીની ૧૦ બેઠક, પશ્ર્ચિમ બંગાળની ૫ બેઠક, દાદરા અને નગર હવેલીની ૧ બેઠક, દમણ અને દીવની ૧ બેઠકનો સમાવેશ થાય છે. કાલે સવારે ૭ વાગ્યાથી લઈ સાંજના ૬ વાગ્યા સુધી સળંગ મતદાન યોજાશે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી હિટવેવની આગાહી આપવામાં આવી છે. કાળઝાળ ગરમીનાં કારણે આવતીકાલે યોજાનાર લોકસભાની ચુંટણીનાં મતદાનની ટકાવારી પર અસર રહે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. આજથી ચુંટણી સ્ટાફે મતદાન બુથનો હવાલો સંભાળી લીધો છે. સૌરાષ્ટ્રની ૭ બેઠકોની વાત કરવામાં આવે તો ૭ બેઠકો પર ૧૨૦ ઉમેદવારો ચુંટણી લડી રહ્યા છે તેઓનું રાજકીય ભાવી ૧.૧૯ કરોડ મતદારો નકકી કરશે. ૭ બેઠકો પર કુલ ૧૩,૮૪૮ મતદાન મથકો છે અને ૬૫,૨૪૪ કર્મચારીઓને ચુંટણી ફરજની કામગીરી સોંપવામાં આવી છે.
ત્રીજા તબકકાનાં મતદાન બાદ આગામી ૨૯મી એપ્રીલનાં રોજ ચોથા તબકકાનાં મતદાનમાં ૯ રાજયોની ૭૧ બેઠક, ૬ મેના રોજ પાંચમાં તબકકાનાં મતદાનમાં ૭ રાજયોની ૫૧ બેઠક, છઠ્ઠા તબકકાનાં મતદાનમાં ૧૨ મેના રોજ ૭ રાજયોની ૫૯ બેઠક, સાતમાં તબકકાનાં મતદાનમાં ૧૯ મેના રોજ ૮ રાજયોની ૫૯ બેઠકો માટે મતદાન યોજાશે.
સૌરાષ્ટ્રની સાત બેઠકોની વિગત
ઉમેદવાર | ચુંટણી સ્ટાફ | બેલેટ યુનિટ | કંટ્રોલ યુનિટ | વીવીપેટ | |
રાજકોટ | ૧૦ | ૧૦૨૪૦ | ૨૦૫૦ | ૨૦૫૦ | ૨૦૫૦ |
અમરેલી | ૧૨ | ૯૫૪૦ | ૧૯૦૮ | ૧૯૦૮ | ૧૯૦૮ |
પોરબંદર | ૧૭ | ૯૨૭૦ | ૩૭૦૮ | ૧૮૫૪ | ૧૮૫૪ |
જામનગર | ૨૮ | ૯૭૩૦ | ૩૮૯૨ | ૧૯૪૬ | ૧૯૪૬ |
ભાવનગર | ૧૦ | ૧૦,૦૨૫ | ૨૦૦૫ | ૨૦૦૫ | ૨૦૦૫ |
સુરેન્દ્રનગર | ૩૧ | ૧૦,૮૦૯ | ૬૫૩૪ | ૨૧૭૮ | ૨૧૭૮ |
જુનાગઢ | ૧૨ | ૯૫૭૫ | ૧૯૧૩ | ૧૯૧૩ | ૧૯૧૩ |
કુલ | ૧૨૦ | ૬૯૧૮૯ | ૨૨૦૧૦ | ૧૩૮૫૪ | ૧૩૮૫૪ |