રાજ્યની 31 સરકારી ડિપ્લોમા કોલેજોમાંથી 26 ડિપ્લોમા કોલેજોમાં કાયમી આચાર્ય નથી અને ઈન્ચાર્જ આચાર્યથી શિક્ષણકાર્ય ચલાવાય છે

ડિપ્લોમા ઈજનેરી અભ્યાસક્રમ માટેની રાજ્યમાં આવેલી સરકારી પોલિટેકનિકોમાંથી હાલ 26 સરકારી પોલિટેકનિકોમાં કાયમી આચાર્ય નથી. એટલે કે ગુજરાતની પોલિટેક્નિક 31માંથી 26 ‘માથા’ વગરની જ છે.26 સરકારી ડિપ્લોમા કોલેજો ઈન્ચાર્જ આચાર્યથી ચાલતી હોઈ સરકાર દ્વારા 2022ના અંત સુધીમાં નેશનલ બોર્ડ ઓફ એક્રિડિટેશનની માન્યતા મેળવવાની તૈયારી કરી રહી છે.

પરંતુ એક્રેડિટેશન માટે કાયમી આચાર્ય હોવા જરૂરી છે.સરકારી ડિપ્લોમા કોલેજોમાં કાયમી આચાર્યો નથી ત્યારે ખાનગી કોલેજોમાં એવી પણ ફરિયાદ ઉઠી છે કે એઆઈસીટીઈ દ્વારા બહાર પાડેલ નિયમો મુજબ જીટીયુએ સેલ્ફ ફાઈનાન્સ પોલિટેકનિકોમાં પ્રિન્સિપાલની ભરતી એમઈ ડિગ્રીથી ભરવાનું જાહેર કર્યુ છે ત્યારે બીજી બાજુ સરકારી પોલીટેકનિક કોલેજોમાં આચાર્યની ભરતી માટે પીએચડી ફરજીયાત હોવાનો નિયમ છે.

રાજ્યની જ સરકારી અને ખાનગી પોલિટેકનિકો માટે અલગ અલગ નિયમો કેમ ? જીટીયુ ખાનગી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોને જો આચાર્ય અને સ્ટાફ અપુરતો હોય તો દંડ ફટકારે છે તેમજ નો એડમિશનમાં મુકે છે પરંતુ સરકારી કોલેજોમાં આચાર્ય નથી અને સ્ટાફ અપુરતો છે તે કોઈ દંડ કે પગલાની જોગવાઈ થતી નથી.હાલ રાજ્યની 31 સરકારી ડિપ્લોમા કોલેજોમાંથી 26 ડિપ્લોમા કોલેજોમાં કાયમી આચાર્ય નથી અને ઈન્ચાર્જ આચાર્યથી શિક્ષણકાર્ય ચલાવાય છે.

31 ડિપ્લોમા કોલેજોમાં મંજૂર થયેલી 140 એચઓડી એટલેકે વિભાગીય વડાની જગ્યાઓ સામે હાલ 100 જગ્યાઓ ભરેલી છે અને 40 ખાલી છે. જ્યારે 31 કોલેજમાં મંજૂર થયેલી 2232 લેકચરરની જગ્યાઓ સામે 2133 જગ્યાઓ ભરેલી છે.કેટલીક કોલેજોમાં લેકચરરને ઈન્ચાર્જ આચાર્ય બનાવાયા છે.તાકીદે આ ભરતી થાય તેવી માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.