મંત્રીનો રસોયો દર મહિને રૂ૧૧,૭૦૬નો પગાર મેળવતો હોવા છતા ડીપોઝીટ માટે ૧૩.૩૪ કરોડ ભર્યા: કૌભાંડ બાદ ભેદી મૌન
શું કોંગ્રેસ અને ખનીજ ચોરીનું કૌભાંડ જોડાયેલુ જ રહેશે?
તાજેતરમાં પંજાબની કોંગ્રેસ સરકારે ખાણ માટે લીલામી હાથધરી હતી. જેમાં પંજાબના ઉર્જા અને સિંચાઈ મંત્રી રાણા ગુરજીતની કંપનીમાં રસોયા તરીકે ફરજ બજાવતા અમિત બહાદુરને ૨૬ કરોડનું ટેન્ડર મળ્યું છે ! આશ્ર્ચર્યજનક બાબત એ છે કે બહાદુરના બેન્ક એકાઉન્ટમાં માત્ર રૂ૪,૮૪૦ છે ! અગાઉ કોંગ્રેસના શાસનમાં ખાણની લીલામી ક્ષેત્રે અનેક કૌભાંડો થયાના આક્ષેપ થઈ ચૂકયા છે. હવે પંજાબમાં પણ કોંગ્રેસ સરકાર સમયે ખાણના ટેન્ડરને લગતા ગોટાળા સામે આવ્યા છે. અહીં ઉલ્લ્ખનીય છે કે અમિત બહાદુરનું છેલ્લે ત્રણ વર્ષનું આવકવેરા રીટર્ન રૂ૧ લાખથી ઓછું છે. તેના બેન્ક સ્ટેટમેન્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં તેના ખાતામાં રૂ૧૮૦૦૦ થી ૨૨૦૦૦ જમા હતા. તેની આવકનો મુખ્ય સ્ત્રોત તેનો પગાર રૂ૧૧,૭૦૬ હતો. છતા પણ તા.૨૧મેના રોજ બહાદુરે ટેન્ડર માટે રૂ૧૩.૩૪ કરોડની ડિપોઝીટ જમા કરાવી હતી.
પંજાબની કોંગ્રેસ સરકારનું ભોપાળુ બહાર આવતા તમામ નેતાઓ અને અધિકારીઓએ ભેદી મૌન સેવી લીધા હોવાનું જાણવા મળે છે. આ મામલે તપાસનું ભીલુ સંકેલાશે કે જવાબદારો સામે પગલા લેવાશે તે જોવાનું રહ્યું.