- રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, નવસારી, વડોદરા અને મહેસાણા બેઠક માટે હજી કોંગ્રેસે નથી કર્યા ઉમેદવારોના નામ જાહેર: અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ નામ પરત ખેંચી લેતા નવા ચહેરાની તલાશ
લોકસભાની આગામી ચુંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતની તમામ ર6બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. હરિફ પક્ષ કોંગ્રેસ હજી સાત મૂરતિયાઓની શોધમાં છે. રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, નવસારી, વડોદરા અને મહેસાણા બેઠક માટે હજુ સુધી કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. જયારે અદમવાદા પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચુંટણી લડવાની અનિચ્છા વ્યકત કરતા હવે સાત મૂરતિયાઓ શોધવા પડશે આજે અથવા આવતીકાલે કોંગ્રેસ દ્વારા ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.
ભાજપ દ્વારા ગત રવિવારે ઉમેદવારોના નામની યાદીમાં ગુજરાતની બાકી રહેતી છ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર બેઠક માટે ચંદુભાઇ શિહોરા, સાબરકાંઠા બેઠક માટે શોભનાબેન બારૈયા, અમરેલી બેઠક માટે ભરતભાઇ સુતરિયા, મહેસાણા બેઠક માટે હરિભાઇ પટેલ વડોદરા બેઠક માટે ડો. હેમાંગભાઇ જોશી અને જુનાગઢ બેઠક માટે રાજેશભાઇ ચુડાસમાને ટિકીટ આપવામાં આવી છે.આ ઉપરાંત ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠકના ઉમેદવાર રેખાબેન ચૌધરી, પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી, અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશભાઇ મકવાણા, રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલા, પોરબંદર બેઠકના ઉમેદવાર ડો. મનસુખ માંડવીયા, જામનગર બેઠકના ઉમેદવાર પુનમબેન માડમ, આણંદ બેઠકના ઉમેદવાર મિતેષ પટેલ, ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, દાહોદ બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર, ભરુચ બેઠકના ઉમેદવાર મનસુખભાઇ વસાવા, બારડોલી બેઠકના ઉમેદવાર પ્રભુભાઇ વસાવા, નવસારી બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ, અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારો હસમુખભાઇ પટેલ, ભાવનગર બેઠકના ઉમેદવાર નિમુબેન બાંભણીયા, છોટા ઉદેયપુર ઉમેદવાર જશુભાઇ રાઠવા, વલસાડના ઉમેદવાર ધવલભાઇ પટેલ, અને સુરતના ઉમેદવાર મુકેશભાઇ દલાલ છે ભાજપે 1ર સિટીંગ સાંસદોને રીપીટ કર્યા છે ચાર મહિલાઓને ટિકીટ આપી છે.
સામા પક્ષે કોંગ્રેસે કચ્છ બેઠક પરથી નીતીશભાઇ લાલન, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, અમદાવાદ વેસ્ટમાં ભરતભાઇ મકવાણા, અમદાવાદ વેસ્ટમાં ભરતભાઇ મકવાણા, પોરબંદર બેઠકમાં લલીતભાઇ વસોયા, બારડોલી બેઠકમાં સિઘ્ધાર્થ ચૌધરી, વલસાડમાં અનંતભાઇ પટેલ, પાટણમાં ચંદનજી ઠાકોર, સાબરકાંઠામાં ડો. તુષાર ચૌધરી, ગાંધીનગરમાં સોનલબેન પટેલ, જામનગરમાં જે.પી. મોરવીયા, અમરેલીમાં જેનીબેન ઠુંમર, આણંદમાં અમિત ચાવડા, ખેડામાં કાળુસિંહ ડાભી, પંચમહાલમાં ગુલાબસિંહ ચૌહાણ, દાહોદમાં પ્રભાબેન તવીયાડ, છોટા ઉદેયપુરમાં સુખરામભાઇ રાઠવા અને સુરત બેઠક પર નિલેશ કુંભાણીને ટિકીટ આપી છે.
અમદાવાદ પૂર્વ બેઠકમાં ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાના નામની જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેઓએ ચુંટણી લડવાની અનિચ્છા વ્યકત કર્યા બાદ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય સહિતના તમામ હોદાઓ પરથી રાજીનામા આપી દીધા છે. હવે આ બેઠક પર નવા ચહેરાની શોધખોળ ચાલી રહી છે.
કોંગ્રેસ દ્વારા હજી રાજકોટ, જુનાગઢ, અમરેલી, મહેસાણા બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા નથી.
રાજકોટમાં હિતેશ વોરા, જૂ નાગઢમાં હિરા જોટવા અને સુ.નગરમાં ઋત્વિક મકવાણાનું નામ લગભગ ફાઇનલ
આજે અથવા આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના
કોંગ્રેસ દ્વારા હજી ગુજરાતની સાત બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જેમાં સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો સામેલ છે. પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહેલ બે દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હતા. તેઓએ રાજકોટ અને સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવાર નકકી કરવા માટે યોજી હતી. રાજકોટ બેઠક પરથી ચુંટણી લડવા માટે પરેશભાઇ ધાનાણીએ ઇન્કાર કરતા હવે રાજકોટ બેઠક માટે હિતેશભાઇ વોરાનું નામ ફાઇનલ કરવામાં આવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત ડો. હેમાંગ વસાવડા, ઇન્દ્રનીલ રાજયગુરુ અને લલીત કગથરીના નામો ચર્ચામાં છે. જુનાગઢ બેઠક પર હિરાભાઇ જોટવાનું નામ ફાઇનલ થયાનું જાણવા મળી રહ્યું છે. જયારે સુરેન્દ્રનગર બેઠક પર પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.
ભરૂચ અને ગાંધીનગરમાં ઓવૈસીની પાર્ટી ઉમેદવારો ઊભા રાખશે
એઆઈએમઆઈએમએ સોમવારે જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી ગુજરાતમાં ભરૂચ અને ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે. ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરે છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ગુજરાત એકમના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ જણાવ્યું હતું કે અમારા કેન્દ્રીય નેતૃત્વએ ભરૂચ અને ગાંધીનગર લોકસભા બેઠકો પરથી પક્ષના ઉમેદવારો ઊભા કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભરૂચ અને ગાંધીનગર બંને વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં મુસ્લિમ વસ્તી છે. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો ગમે તે હોય, આ ચૂંટણી ઓવૈસી પક્ષના કાર્યકર્તાઓને 2027ની વિધાનસભા ચૂંટણી અને 2026માં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી માટે તૈયાર કરશે. ભારતીય જનતા પાર્ટી એ ભરૂચ લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, જેનો સામનો આમ આદમી પાર્ટીના ચૈત્ર વસાવા સાથે થશે. ગુજરાતની તમામ 26 બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.