કેમ ભુલાઈ આ દિવસ જ્યાં મુંબઈમાં લોકો રોજ-બરોજની જેમ પોતાનું જીવન જીવી રહ્યા હતા પરંતુ જેમ-જેમ રાત્રીનો સમય વીતતો ગયો ત્યાં અચાનક રસ્તાઓ પર લોકોની ચીચીયારી સંભળાવા લાગી. મુંબઈમાં ઘુસેલા આતંકવાદીઓ એ તે રાત્રે ખૂની ખેલ ખેલ્યો હતો.
મુંબઈમાં થયેલા આ લોહિયાળ હુમલાના ત્રણ દિવસ પહેલા એટલે કે 23 નવેમ્બર ૨૦૦૮ના રોજ આ આતંકીઓ કરાચીથી દરિયાઈ માર્ગે બોટ મારફતે મુંબઈ પહોંચ્યા હતા. જે બોટમાંથી આતંકીઓ આવ્યા હતા તે બોટ પણ ભારતીય હતી અને તેમાં સવાર ચાર ભારતીયોની હત્યા કરતી વખતે આતંકીઓએ તેને કબજે કરી લીધી હતી. રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ આતંકવાદીઓ કોલાબા નજીક કફ પરેડના ફિશ માર્કેટમાં ઉતર્યા હતા.
મુંબઈમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન ઉપરાંત આતંકીઓએ તાજ હોટલ, હોટલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈની અનેક જગ્યાઓ પર હુમલો શરૂ કર્યો હતો. મધ્યરાત્રિ સુધીમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં હુમલાઓ થઈ રહ્યા હતા. શહેરમાં ચાર સ્થળોએ એન્કાઉન્ટર ચાલી રહ્યા હતા. પોલીસ ઉપરાંત અર્ધ સૈનિક દળો પણ આતંકવાદીને રોકવા જોડાયા હતા.
મુંબઈ હુમલામાં આતંકવાદીઓએ તે રાત્રે ઘણા પ્રખ્યાત સ્થળોને નિશાન બનાવ્યા હતા. મુંબઈનું ગૌરવ કહેવાતી તાજ હોટેલ, ઓબેરોય ટ્રાઈડેન્ટ હોટેલ અને નરીમન હાઉસને નિશાન બનાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓના હેડ દ્વારા ફોનથી બહાર બેઠેલા આતંકવાદીઓને મદદ કરી રહ્યા હતા, જેના કારણે સેનાનું ઓપરેશન પણ નિષ્ફળ થતું જણાતું હતું. હૃદય દ્રવી ઉઠતી ૨૬/૧૧ની ઘટનામાં પોલીસ અને આતંકીઓ વચ્ચે ૩ દિવસ અથડામણ ચાલી હતી.
દેશના આર્થિક પાટનગર મુંબઈને આતંકીઓએ દીધેલો ઘા આજે પણ રુંવાડા ઉભા કરી દે છે. તે દિવસે પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના 10 આતંકીઓએ મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો. મુંબઇમાં લગભગ 60 કલાક સુધી લોહિયાળ રમત રમતી વખતે 10 આતંકવાદીઓએ 164 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા.