આગામી ૩૦ વર્ષ સુધી પાણી સમસ્યા ન રહે તેવી રીમોડલીંગ વ્યવસ્થા: રાજયમંત્રી હકુભા જાડેજા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય યાત્રાધામો બેટ દ્વારકા અને દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોને ભવિષ્યનાં ત્રીસ વર્ષ સુધી પાણીની સમસ્યા ન પડે અને પાણી પુરવઠો સતત કાર્યરત રહી શકે તેવી ગુજરાત રાજય સરકારની મહત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમલમાં મુકી છે. રૂ.૨૫૫ કરોડનાં ખર્ચે સાકાર થવા જઈ રહેલી આ યોજના અંગેની વિગતો આપતા રાજયમંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ યોજનાથી પશ્ચિમી છેવાડાના આ વિસ્તારની પાણીની સમસ્યાનો અંત આવી જશે.
વર્તમાનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખામંડળ જુથ પાણી પુરવઠા યોજના ૪૦ લીટર માથાદીઠ પાણી આપવાના ધારાધોરણ મુજબ વર્ષ ૧૯૯૨થી કાર્યાન્વીત થયેલ છે. સદર જૂથ યોજના મારફત ઓખામંડળ તાલુકાના ૩૭ ગામ અને ૨ શહેરને સાની ડેમ તથા એન.સી.૨૧ નર્મદા પાઈપલાઈન દ્વારા પાણી પુરવઠો આપવામાં આવે છે. સાની ડેમ તથા નર્મદા પાઈપલાઈનનું પાણી કલ્યાણપુરથી વાયા ભાટીયા લાવવામાં આવે છે જયાં પાણી ફિલ્ટર કરી પમ્પીંગ દ્વારા પાઈપલાઈન મારફતે ગોરીજા લાવી બાદ ગોરીજાથી પાઈપલાઈન દ્વારા ૪૨ કિમી અંતર સુધી પમ્પીંગ કરી ઓખા તથા બેટ દ્વારકાને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
વર્તમાનમાં દ્વારકા અને બેટ દ્વારકા તથા નાગેશ્વર જયોતિર્લિંગનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને યાત્રિકો પ્રવાસીઓને ખુબ જ સંખ્યા આવકમાં વધારો થયો છે. શીવરાજપુર બીચ તથા બેટ દ્વારકા સી લીન્ક જેવી અનેક યોજના કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ફળીભૂત થઈ રહી છે ત્યારે આવનારા વર્ષોમાં આ વિસ્તારની પાણીની સમસ્યા વધુ વિકટ ન બને અને પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા રૂ.૨૫૫ કરોડનાં ખર્ચે યોજના મંજુર થઈ છે અને જૂન માસમાં જ દ્વારકાને પાણી પૂરું પાડવા માટે રૂપિયા ૧૪૮ કરોડનાં ખર્ચે ખાસ એકસપ્રેસ લાઈન તથા તાલુકાની પાણીની લાઈનોનું અપગ્રેડેશન કરવા માટે રૂ.૬૩.૭૮ કરોડ અને ભીમગજા યોજના હેઠળ ૪૩.૨૩ કરોડ રૂપિયાની યોજના મંજુર થઈ છે. જે યોજનાનું કાર્ય શરૂ થનાર છે.