૫ મુસ્લિમ અને ૧ ખ્રિસ્તી સહિત ૨૫૧ દિકરીઓને અપાયું ક્ધયાદાન
સુરત ખાતે પી.પી.સવાણી ગ્રુપ અને મોવલીયા પરીવાર દ્વારા ખુબ જ મોટુ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે. બંને પરિવારો દ્વારા કુલ ૨૫૧ દિકરીઓનું કરીયાવર કરવામાં આવ્યું હતું. જે ૨૯ જ્ઞાતિઓની દિકરીઓનો પણ સમાવેશ થાય છે. સાથો સાથ ૫ મુસ્લિમ અને ૧ ખ્રિસ્તી દિકરીને કરીયાવર કરવામાં આવ્યું હતું. જે-તે સમાજની વિધિ અનુસાર તમામ ૨૫૧ દિકરીઓ ઉપર હેલીકોપ્ટર દ્વારા ફુલ વર્ષા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ જેમ કે મનિન્દર બીટ્ટા, પદશ્રી દિપા મલિક, અભય ચુડાસમા તમામ સમાજનાં સાધુ-સંતો, લેખકો, વકતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભગીરથ કાર્યનાં સાક્ષી પણ બન્યા હતા.
આ પ્રસંગે પી.પી.સવાણી ગ્રુપનાં મહેશભાઈ સવાણી ખુબ જ ઉત્સાહમાં અને ભાવુક બની જતા એક ખાસ વાત જણાવી હતી કે, તેઓ પ્રભુના ઋણી છે કે તેઓને ૨૫૧ દિકરીઓના પિતા બનાવ્યા. વધુમાં તેઓએ અબતક સાથે સીધી વાત કરતા જણાવ્યું હતું કે, પારેવડી ૨૦૧૭ પી.પી.સવાણી ગ્રુપ અને મોવલીયા પરીવાર દ્વારા જેઓને પિતાની છત્રછાયા નથી તેવી ૨૫૧ દિકરીઓનું ક્ધયાદાન આજે કરવામાં આવ્યું છે. જેમાં ૫ મુસ્લિમ દિકરીઓ છે, એક ખ્રિસ્તી દિકરી છે અને બાકી અલગ-અલગ ધર્મની ૨૯ જ્ઞાતીઓની દિકરીઓ છે. જેનું કરીયાવર કરવામાં આવ્યું. આના માટે હું ભગવાનને પ્રાર્થના કરુ છું કે ભગવાન મને આ પ્રકારના ભગીરથ કાર્ય કરવા માટે તાકાત આપે. હું લોકોને એજ અપીલ કરુ છું કે જે લોકોના સમાજના અથવા તો સોસાયટીમાં છત્રછાયા વિનાની બાળાઓ રહેતી હોય તો તેમને કોઈ પણ બાળાઓનો ભણતર માટે, તેના સ્વાસ્થ્ય માટે અથવા દિકરીઓના સ્વપ્નો માટે અને તેમને પુરા કરવા માટે જે કાંઈ પણ થતું હોય એ બધાએ કરવું જોઈએ.
ગફુર ચાચાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, પારેવડી ૨૦૧૭ અન્વયે જે ૫ મુસ્લિમ દિકરીઓના નિકાહ કરવામાં આવ્યા તે સંદર્ભે તેઓએ જણાવ્યું કે, સવાણી ગ્રુપ અને તેમનાં દિકરા મહેશ સવાણી જેઓએ હિન્દુ-મુસ્લિમની એકતા માટે જે કાર્ય કર્યું છે. તે વિશ્ર્વ માટે પ્રતિકરૂપ છે. જેને બાપ નથી તેવી દિકરીઓનાં લગ્ન કરાવવા એ એક જનતી કાર્ય છે અને આ શુભ કાર્યમાં જેને-જેને ભાગ લીધો છે. હાજર રહેવાનો એમને પણ મારી દુવા છે, દિકરીઓ અને દિકરાઓ જેને પ્રભુતામાં પગલા માંડયા તેઓને પણ મારી દુવા છે હિન્દુ અને ખ્રિસ્તી પરીવારને પણ હું દુવા આપું છું અને આ તમામની દુવા મારી તરફ રહે તેવી પણ હું પ્રાર્થના કરું છું.
મનિન્દર બીટ્ટાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હું તમામ સવાણી પરિવાર અને તેમના માતા-પિતાને હું વંદન કરું છું કે આખુ ભારત વર્ષ સવાણી પરીવાર અને મોવલીયા પરિવારનું ઋણી છે. આ પરીવારના આગળ માથું ટેકવું છે જે રીતે સુરત મહાનગરની અંદર દેખાડો નહીં દ્રઢતાથી દિલથી પૌરાણીક સંસ્કૃતિક, પૌરાણીક ઈતિહાસ અને એ પ્રકારની દિકરીઓ જે-તે દતક લેવામાં આવી છે અને એવા પરીવારોને દતક લેવું જેમનું કોઈ નથી અને તેઓના લગ્ન કરાવવા આ પ્રકારની સેવા ન હોય શકે, આની સાથો-સાથ જે લોકો માતૃભૂમીનાં રક્ષણ માટે પોતાનો જીવ ગુમાવે છે તેવા પરીવારોનો સાથ-સહકાર આપે છે. તેથી ભગવાન સવાણી પરિવાર ઉપર ખુબ જ કૃપા વરસાવશે તે વાતમાં મીન-મેક નથી.
દિપા મલિકએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જે આશીર્વાદ અને પ્રેમ જેમને મળ્યો છે અને સમાજએ અને જે પરીવારે તેમની સાથે ભેગા રહી જે ઉદાહરણ પુરુ પાડયું છે અને હાથ પકડયો છે જેથી આગળ તે પણ તેમની ભાવનાઓને સાથે રાખી આગળ વધશે. તમામ દિકરીઓને એ અપીલ કરુ છું કે આજે કોઈ એમનો સહારો બન્યું છે, આગળ તે પણ કોઈનો સહારો બને અને એવા બાળકોને પેદા કરે જે આ ભાવનાને લઈ આગળ વધે અને દેશ, સમાજની સેવા કરી દેશનું નામ ઉજવળ કરે.