છેલ્લા 23 દિવસથી એકપણ સરકારી ટેન્ડર ન ઉપાડ્યું, 8000 કરોડના વિકાસ કામો પર અસર

18 માસ જૂની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો આગામી દિવસોમાં ચાલુ પ્રોજેક્ટના કામો પણ અટકાવી દેવાની ચિમકી

દોઢ વર્ષ જૂની માંગણીનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં ન આવતા 2500થી વધુ સરકારી કોન્ટ્રાક્ટરોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. છેલ્લા 24 દિવસથી એકપણ સરકારી ટેન્ડર ઉપાડવામાં આવ્યા નથી. જેના કારણે 8 હજાર કરોડના વિકાસ કામો શરૂ થશે કે કેમ તેની સામે પણ સવાલો ઉભા થયા છે. જો સરકાર દ્વારા માંગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હાલ જે પ્રોજેક્ટ પ્રગતિમાં છે તેના કામો પણ અટકાવી દેવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાત સરકારી કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ગત વર્ષ પણ રાજ્ય સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું હતું. દરમિયાન વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં વિકાસ કામો પર કોઇ વિપરિત અસર ન પડે તે માટે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોને તમામ પ્રકારની માંગણીઓ સંતોષી લેવાની ખાતરી આપવામાં આવી હતી. ચૂંટણી પૂર્ણ થયાના નવ માસ વિતી ગયા છતા હજી સરકારી કોન્ટ્રાક્ટરની એકપણ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટરો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારની માફક સરકારી કોન્ટ્રાક્ટરોઓની પોલીસીનો અમલ કરે. જીએસટીની અમલવારી બાદ કોન્ટ્રાક્ટરો પર જીએસટીનો માર પડ્યો છે. જે ટેન્ડરમાં નિર્ધારિત કરાયેલી અથવા રકમથી અલગથી ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હાલ વર્ષ-2015નો એસઓઆર ચાલી રહ્યો છે.

છેલ્લા આઠ વર્ષમાં તમામ પ્રકારના મટિરિયલ્સના ભાવોમાં તોતીંગ વધારો નોંધાયો છે ત્યારે તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર દ્વારા નવો એસઓઆર જાહેર કરવામાં આવે તેવી માંગણી કરાય છે. મુખ્યમંત્રી અને અગ્રસચિવને વારંવાર રજૂઆત કરવા છતા સરકારી કોન્ટ્રાક્ટરોના પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા છેલ્લા 24 દિવસ અર્થાત 1 માર્ચથી એકપણ સરકારી ટેન્ડર ઉપાડવામાં આવ્યા નથી. 1250થી વધુ ટેન્ડરો ભરાયા વિનાના પડ્યા છે. જેના કારણે 8000 કરોડથી પણ વધુના વિકાસ કામો શરૂ થશે કે કેમ? તેના સામે પણ સવાલો ઉભા થયા છે. છેલ્લા 24 દિવસથી ટેન્ડર ઉપાડવામાં આવતા નથી. છતા રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલતું નથી. આવામાં હવે ગુજરાત સરકારી કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ જે સરકારી કામો ચાલી રહ્યા છે. તેને પણ જરૂર પડશે તો અટકાવી દેવામાં આવશે.

18 માસ પૂર્વ અલગ-અલગ માંગણી સંદર્ભે રજૂઆત કરવામાં આવી હોવા છતાં અને રાજ્ય સરકાર દ્વારા તમામ માંગણી પૂરી કરવામાં આવશે. તેવી ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી એકપણ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેના કારણે હવે સરકારી કોન્ટ્રાક્ટરોએ રાજ્ય સરકારના  ટેન્ડરો ઉપાડવાનું બંધ કરી દીધું છે. હવે હાલ ચાલતા કામો પણ અટકાવી દેવાની રચના ઘડવામાં આવી રહી છે.

કોઇપણ દેશના વિકાસનું ધરોહર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ હોય છે. જેને મજબૂતી કોન્ટ્રાક્ટરો આપતા હોય છે. છેલ્લા ઘણા સમયથી સરકારી કોન્ટ્રાક્ટરો વિવિધ માંગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે. પરંતુ કોઇ કારણોસર તેઓની માંગણીને સંતોષવામાં આવતી નથી. જૂના એસઓઆરના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ આર્થિક બોજ સહન કરવો પડે છે. કારણ કે સરકાર કોઇપણ પ્રોજેક્ટ માટેની ગ્રાન્ટની રકમ એસ્ટીમેન્ટ મુજબ જ ચૂકવતી હોય છે. પરંતુ આઠ વર્ષ જૂના એસઓઆર મુજબ એસ્ટીમેન્ટ સાથેનું ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવે છે. જેમાં લાખો-કરોડો રૂપિયાની ઓન સાથે કામ આપવા પડે છે. જેના કારણે સ્થિતિ એવી સર્જાય છે કે કેટલાક પ્રોજેક્ટમાં મૂળ એસ્ટીમેન્ટ કરતા 20 થી લઇ 50 ટકા સુધીનો ખર્ચ વધારો આવી જાય છે. છેલ્લા 24 દિવસથી સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા એકપણ ટેન્ડર ઉપાડવામાં આવ્યા નથી. જેની સિધી અસર વિકાસ કામો પર પડી રહી છે. અનેક પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ હવે જો કોન્ટ્રાક્ટરો આગામી દિવસોમાં જે પ્રોજેક્ટ પ્રગતિમાં છે તે અટકાવી દેશે તો સ્થિતિ વધુ વણસી જશે. આવામાં જો સરકાર હવે પ્રશ્ર્નની ગંભીરતા સમજી ઝડપથી કોઇ નિવારણ લાવે તે ખૂબ જ જરૂરી છે અન્યથા આગામી દિવસોમાં વિકાસ માટે દેશનું રોલ મોડેલ મનાતું ગુજરાત જ વિકાસની સાચી દિશાએ વિમુખ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.