સરકારની સૂચના ન આવે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા પ્રિકોશન ડોઝ પણ નિ:શુલ્ક અપાશે
ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું છે. ભારતમાં કોરોનાની સંભવિત: લહેરને ખાળવા માટે સરકાર સજ્જ થઇ ગઇ છે. લોકોમાં પણ પ્રિકોશન ડોઝ લેવા માટે ધસારો સતત વધી રહ્યો છે. રાજ્ય સરકાર પાસે વેક્સિનનો પ્રયાપ્ત જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે હાલ વેક્સિનેશનની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સરકાર પાસે કોવિશિલ્ડના 25000 ડોઝની માંગણી કરવામાં આવી છે. છતાં ડોઝની ફાળવણી કરાઇ નથી.
દરમિયાન આજે કોવેક્સિનના 2500 ડોઝ ફાળવવામાં આવતા તમામ આરોગ્ય કેન્દ્રો પરથી ફરી વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી સરકારમાંથી કોઇ સૂચના કે આદેશ ન આવે ત્યાં સુધી શહેરીજનોને પ્રિકોશન ડોઝ પણ મફ્ત જ આપવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.જયેશ વકાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગઇકાલે રાજકોટને કોવેક્સિનના 2500 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. હાલ શહેરમાં 10 હજારથી પણ વધુ લોકો કોવેક્સિન માટે ડ્યુ ડેટ ધરાવે છે. જે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક છે. જેઓને આજથી આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં 2.63 લાખ લોકો કોવિશિલ્ડનો પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક થઇ ગયા છે. ગત સપ્તાહે સરકાર પાસે કોવિશિલ્ડ વેક્સિનની માંગણી કરવામાં આવી હતી પરંતુ આજસુધીમાં કોવિશિલ્ડનો જથ્થો ફાળવવામાં આવ્યો નથી. આવતા સપ્તાહે સોમવાર કે મંગળવારના રોજ કોવિશિલ્ડના ડોઝની ફાળવણી કરવામાં આવે તેવી બાંહેધરી આપવામાં આવી છે.