ગ્રામીણ ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશનનું તારણ: 14-18 વર્ષના વયજૂથના 34,745 યુવાઓનો સંપર્ક કરાયો
ગ્રામીણ ભારતની શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા 14-18 વર્ષના 86.8 ટકા યુવાઓમાંથી 25 ટકાને પ્રાદેશિક ભાષામાં ધોરણ-2નું વાંચન સરળતાથી કરવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું ચોંકાવનારું તારણ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ રજૂ કર્યું છે. અહેવાલમાં મુજબ શાળાનો અભ્યાસ નહીં કરનારા કે છોડી દેનારા 18 વર્ષ કે વધુ વયના વિદ્યાર્થીઓનું પ્રમાણ 32 ટકાથી વધુ છે.અહેવાલ મુજબ કોરોના મહામારીને કારણે આજીવિકા ગુમાવી દેવાના કારણે ઘણા જૂના વિદ્યાર્થીઓએ શાળાનો અભ્યાસ છોડી દીધો હોવાનો ડર સાચો જણાયો નથી.
2023 ‘બિયોન્ડ બેઝિક્સ’ રિપોર્ટમાં ગ્રામીણ ભારતના 14થી 18 વર્ષના વયજૂથના યુવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2017માં પણ આ જ વયજૂથને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાયો હતો. એએસઇઆર 2023 સરવેમાં દેશના 26 રાજ્યના 28 જિલ્લાને આવરી લેવાયા હતા. જેમાં 14-18 વર્ષના વયજૂથના 34,745 યુવાઓનો સંપર્ક કરાયો હતો. અહેવાલ અનુસાર વિદ્યાર્થીઓની ભરતીમાં છોકરા-છોકરી વચ્ચેનો તફાવત નાનો છે, પણ મોટો તફાવત ઉંમર આધારિત છે. મોટી વયના વિદ્યાર્થીઓની શાળાએ જવાની શક્યતા ઓછી છે. શાળાએ નહીં જતા 14 વર્ષના વિદ્યાર્થીઓની ટકાવારી 3.9 ટકા છે. જ્યારે 18 વર્ષના વિદ્યાર્થીઓમાં તે આંકડો 32.6 ટકા છે.
2023ના અહેવાલ મુજબ એકંદરે 14-18 વર્ષના 86.8 ટકા વિદ્યાર્થીઓ શૈક્ષણિક સંસ્થાઓમાં ભણી રહ્યા છે, પણ તેમાંથી 25 ટકા વિદ્યાર્થી પ્રાદેશિક ભાષામાં ધોરણ-2ના સ્તરનું વાંચન યોગ્ય રીતે કરી શકતા નથી. ધોરણ 11 અને 12ના 55 ટકાથી વધુ વિદ્યાર્થીઓએ ‘હ્યુમેનિટી’ પ્રવાહની પસંદગી કરી છે. જ્યારે વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહની પસંદગી બીજા અને ત્રીજા ક્રમે છે. ધોરણ 11 કે તેનાંથી ઉપરના વર્ગોમાં 56 ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને હ્યુમેનિટી પ્રવાહનો અભ્યાસ કરે છે.
જ્યારે એસટીઇએમ પ્રવાહમાં અભ્યાસ કરતી છોકરીઓની સંખ્યા (28.1 ટકા) અને છોકરાઓની સંખ્યા (36.3 ટકા) છે.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષના અહેવાલની વિગત પ્રમાણે 6થી 14 વર્ષના વયજૂથમાં ભણતા બાળકોની સંખ્યા 2010ના 96.6 ટકાથી વધીને 2014માં 96.7 ટકા, 2018માં 97.2 ટકા અને 2022માં 98.4 ટકા થઈ છે.