નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદો ફરી ચર્ચાસ્પદ બન્યો છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી છે. શિક્ષણ મંત્રીએ સ્કૂલોની ફીને લઈ સ્પષ્ટતા કરી હતી કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલ ફીમાં 25 ટકા રાહત રહેશે. સંચાલકોએ આ વાતમાં સ્પષ્ટ કહ્યું હતું કે, જો આ વર્ષે સરકાર ફી માફીની જાહેરાત કરશે તો અમે કોર્ટમાં અરજી કરશું. જો કે હજુ સુધી આ મામલે શિક્ષણમંત્રીએ ફક્ત નિવેદન જ આપ્યું છે. પરિપત્ર બહાર પાડી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

શિક્ષણ વિભાગ તરફથી નવા શૈક્ષણિક વર્ષ માટેની ફી અંગેની કોઈ સ્પષ્ટતા કરી નથી જેથી સંચાલકો નવા સત્રની પુરી ફી ઉઘરાવે છે. હવે સરકાર સત્તાવાર રીતે ફી અંગેનો પરીપત્ર બહાર પાડે તે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ રાહ જોઈને બેઠું છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી જુની ફોર્મ્યુલા પ્રમાણે સ્કૂલમાં ફીમાં 25 ટકા રાહત ચાલુ રહેશે. નવો નિર્ણય આવનાર સમયમાં લેવાશે. ત્યાં સુધી જૂની ફોર્મ્યુલા લાગુ પડશે.

40 ટકા વિદ્યાર્થીઓની ગત વર્ષની ફી પણ બાકી: જતીન ભરાડ

02 7

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ રાજકોટ ઝોનના ઉપપ્રમુખ ડો.જતીન ભરાડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રીના નિવેદન સાથે સ્વનિર્ભર શાળાઓ સહમત નથી અને ગત વર્ષે 2020-21માં જે 25 ટકાની સાર્વજનિક રાહત ખાનગી શાળાઓએ આપી હતી તેનાથી રાજ્યની અનેક શાળાઓની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

વર્ષ 2019-20ની ફી અને 2020-21ની ફી ભરવામાં પણ 50 ટકા જેટલા વાલીઓ ઉદાસીન રહ્યાં છે જેની ખુબજ માઠી અસર રહી છે અને જો રાજ્ય સરકાર ચાલુ વર્ષે પણ આવી કોઈ બાબતમાં પરિપત્ર બહાર પાડી જાહેરનામુ બહાર પાડશે તો નાછુટકે શાળા સંચાલક મહામંડળે કાનૂની રસ્તા પર જવા મજબૂર થવું પડશે.

ચાલુ વર્ષે ફી માફી માટે સ્વનિર્ભર શાળાઓ સહમત નથી: ડી.વી.મહેતા

01 10

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ડો.ડી.વી.મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શિક્ષણમંત્રીના ગઈકાલનું જે નિવેદન આપવામાં આવ્યું છે કે, નવો નિર્ણય ન આવે ત્યાં સુધી 25 ટકા ફી રાહત યથાવત રાખવામાં આવશે તે નિર્ણયથી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સહમત નથી. કેમ કે ગયા વર્ષની 25 ટકા ફી માફીથી પણ શાળાઓની આર્થિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

ત્યારે હવે ચાલુ વર્ષે આ ફી માફી થાય તો શાળાઓ ઉપર ખુબજ માઠી અસર પહોંચે. અમે ગત વર્ષે પણ વાલીઓને રાહત આપી જ છે. ત્યારે આ વર્ષે આગામી સમયમાં શિક્ષણ કાર્ય પણ ઓફલાઈન શરૂ થવાનું હોય 25 ટકા ફી માફી આપવી એ યોગ્ય જણાતું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.