છેલ્લા 36 કલાકમાં જ 5 યાત્રાળુઓના મોત થયા : મોટાભાગના યાત્રિકો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા
દેશનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર એવા અમરનાથ મહાદેવના દર્શન કરવા દરેક હિન્દુઓનું સ્વપ્ન હોય છે. પણ આ દર્શન કરવા સહેલું નથી. આ યાત્રા ખૂબ કઠિન હોય છે. આ વખતે યાત્રામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત નિપજ્યા છે.
અમરનાથ યાત્રા શરૂ થયા બાદ અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે. મળેલ માહિતી મુજબ છેલ્લા 36 કલાક દરમિયાન વધુ 5 અમરનાથ યાત્રીઓના મોત થયા છે. જે બાદ આ વર્ષની યાત્રા દરમિયાન મૃત્યુઆંક વધીને 24 થઇ ગયો છે. ગુરુવારે સવારે મૃત્યુ પામેલા 5 યાત્રીઓમાં એક સાધુ પણ સામેલ છે. જેમાં મોટાભાગના યાત્રિકો કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામ્યા હતા. કુદરતી કારણોસર થયેલા મૃત્યુ પૈકી, પ્રવાસ દરમિયાન એક દિવસમાં થયેલા મૃત્યુની આ સૌથી વધુ સંખ્યા છે.
શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રાના પહેલગામ રૂટ પર 4 લોકોના મોત થયા હતા જ્યારે એકનું બાલટાલ રૂટ પર મોત થયું હતું. મૃત્યુ પામનાર 4 યાત્રાળુઓ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતના છે. એક મૃતકની હજુ સુધી ઓળખ થઈ નથી. જે બાદ આ 5 મૃત્યુ સાથે આ વર્ષે યાત્રા દરમિયાન મૃત્યુઆંક વધીને 24 થયો છે.
ઓછું ઓકિસજન મળવાથી હદય બંધ થઈ જવાથી વધુ મૃત્યુ
અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતકોમાં યાત્રા ડ્યુટી પરના ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ અધિકારી, એક સાધુ અને એક સેવાદાર સામેલ છે. અમરનાથ યાત્રીઓ અને ત્યાં તૈનાત સુરક્ષા દળોમાં મૃત્યુના સૌથી સામાન્ય કારણોમાંની એક ઊંચાઈ પર ઓક્સિજનની ઓછી સાંદ્રતાને કારણે હૃદયની નિષ્ફળતા છે.
અમરનાથ યાત્રા 31 ઓગસ્ટના રોજે સમાપ્ત થશે
અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 1.62 લાખ તીર્થયાત્રીઓએ કુદરતી બરફના લિંગની રચનાની ઝલક મેળવવા માટે ગુફા મંદિરની મુલાકાત લીધી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,888-મીટર-ઊંચી ગુફા મંદિરની 62-દિવસીય વાર્ષિક યાત્રા 1 જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલટાલથી શરૂ થઈ હતી. આ યાત્રા 31 ઓગસ્ટના રોજ પુરી થવાની છે.