જિલ્લા કલેક્ટરના હસ્તે આગામી સપ્તાહે હુકમોનું વિતરણ કરાશે
શહેરમાં વસતા પાકિસ્તાનના 25 નાગરિકોને ભારતીય નાગરિકત્વ મળવાનું છે. આ માટે આવતા સપ્તાહમાં જિલ્લા કલેક્ટર દ્વારા તેઓને જરૂરી હુકમો અર્પણ કરવાના હોવાની માહિતી મળી રહી છે.
રાજકોટ શહેરમાં પાકિસ્તાનના નાગરિકો લોન્ગ ટર્મ વિઝા ઉપર વસવાટ કરી રહ્યા છે. આ નાગરિકો મુખ્યત્વે ત્યાંના લઘુમતી સમુદાયના છે એટલે કે હિન્દૂ છે. અગાઉ આવા અનેક પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. હજુ વધુ 25 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ મળવાનું છે. તમામ તપાસો અને જરૂરી કાર્યવાહી બાદ હવે આ 25 લોકોને કલેક્ટર કચેરીમાં બોલાવવામાં આવશે અને કલેક્ટરના હસ્તે જરૂરી હુકમો અર્પણ કરવામાં આવશે.
પાકિસ્તાન, બાંગલાદેશ સહિતના પાડોશી દેશમાં જે લઘુમતી વસે છે એટલે કે હિન્દુ કે શીખ લોકો વધુ પ્રમાણમાં નાગરિકત્વ મેળવવા માટે અરજી કરતા હોય છે. ભારતીય નાગરિકત્વ આપવાની પ્રક્રિયા ખૂબ જટિલ હતી. આ માટે જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્યના ગૃહ વિભાગને જરૂરી તપાસ બાદ રિપોર્ટ સોંપવામાં આવતો હતો. જે ત્યાંથી કેન્દ્રના ગૃહ વિભાગમાં જતો હતો. પણ આ પ્રક્રિયા સરળ કરવા માટે રાજ્ય સરકારે શરૂઆતમાં કચ્છ, ગાંધીનગર અને અમદવાદ જિલ્લામાં આ પાવર જિલ્લા કલેકટરને સોંપ્યા હતા. ત્યારબાદ વધુ ત્રણ જીલ્લા મોરબી,રાજકોટ અને વડોદરામાં પણ આ પાવર જીલ્લા કલેકટરને સોંપવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે આ જીલ્લામાં જિલ્લા કલેકટર જરૂરી પ્રક્રિયા અનુસરીને પાડોશી દેશના લઘુમતીઓને નાગરિકત્વ આપી શકે છે.