ડિસ્ટ્રીકટ જજ ગીતા ગોપીએ દિપ પ્રાગટય કરી લોક અદાલ તને ખુલ્લી મુકી‘તી: વિવિધ કેટેગરીનાં ૫૨૧૯ કેસો મુકાયા‘તા
રાજકોટ શહેર અને તાલુકા મથક આજે રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોક અદાલતને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ગીતા ગોપીનાં હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લી મુકી હતી. આજની લોક અદાલતમાં વિવિધ પ્રકારનાં ૫૨૧૯ કેસો મુકવામાં આવ્યા હતા અને સાંજ સુધીમાં ૫૦ ટકાથી વધુ કેસોનો સમાધાન અર્થે નિકાલ કરવામાં આવ્યા.
વધુ વિગત મુજબ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન રાષ્ટ્રીય કાનુની સેવા સતા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર તેમજ રાજય કાનુની સેવા સતામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાઓનાં ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સતા મંડળ, જિલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા ગીતા ગોપી, ચેરમેન, જિલ્લા કાનુની સેવા સતામંડળ, રાજકોટનાં માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં આજરોજ મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું.
યોજાયેલી લોકઅદાલતને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ગીતા ગોપી, એડીશનલ ડિસ્ટ્રીકટ જજ પી.કે.સતિષકુમાર, વી.વી.પરમાર, ડી.કે.દવે, મુખ્ય સીનીયર સીવીલ જજ કુ.એચ.એસ.દવે, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ એસ.વી.મન્સુરી, એડી.સીનીયર સિવિલ જજ કુ.એન.એચ.વસવેલીયા, જિલ્લા કાનુની સેવા સતા મંડળનાં પૂર્ણકાલીન સચિવ એચ.વી.જોટાણીયા, રાજકોટ બાર એસોસીએશનનાં પ્રમુખ બકુલભાઈ રાજાણી, સેક્રેટરી જીજ્ઞેશભાઈ જોષી, એમ.એ.સી.પી. બાર એસોસીએશનનાં પ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બારનાં સભ્યો, વકીલો તેમજ વિમા કંપનીના તથા પીજીવીસીએલનાં તેમજ વિવિધ બેંકનાં અધિકારીઓ તેમજ પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટનાં ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ગીતા ગોપીએ લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે, સમાધાનથી કેસ ફેંસલ થાય તો પક્ષકારો વચ્ચે સુમેળભર્યા સંબંધો જળવાઈ રહે છે તેને ધ્યાનમાં રાખી વધુમાં વધુ કેસો સમાધાનથી ફેંસલ થાય તેવી આશા રાખેલ હતી. લોક અદાલતમાં જુદી-જુદી કેટેગરીનાં ૫૨૧૯ પેન્ડીંગ કેસો હાથ પર લેવામાં આવેલ જેમાં મોટર અકસ્માત વળતરનાં ૧૫૦૦ અને ચેક રીટર્નનાં ૨૫૦૦ જેટલા કેસો મુકાયેલા છે.