-
ભાજપનાં ઈશારે ખેલ પાર પડાયો: જિલ્લા કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ માટે ઉંધા માથે થયું
-
જિલ્લા પંચાયત પ્રમુખનાં બંગલે ખાટરીયા સહિતનાં ૧૫ સભ્યો એકત્ર થયા: સાંજ સુધીમાં ૧૯ સભ્યો એકઠા કરી દેવાનો દાવો
રાજકોટ જિલ્લા પંચાયતનાં ૨૫ સભ્યોએ બળવાના માર્ગે પ્રયાણ કર્યું હોવાથી જિલ્લા કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ માટે ઉંધા માથે થઈ રહ્યું છે. ભાજપનાં સંપર્કમાં રહેલા ૨૫ સભ્યોએ અવિશ્વસની દરખાસ્ત લાવવાની તૈયારી કરતા અધિકારીઓ પણ દોડતા થયા છે. જિલ્લા કોંગ્રસે જિલ્લા પંચાયત પ્રમુખનાં બંગલે ૧૫ સભ્યોને એકત્ર કર્યા છે અને સાંજ સુધીમાં કુલ ૧૯ સભ્યોને એકઠા કરી દેવાનો દાવો પણ કર્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે અલ્પાબેન ખાટરીયાની નિમણુક થયા બાદ રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. આગામી ૨૭મી જુલાઈએ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે. આ સામાન્ય સભાનાં ચાર દિવસ પૂર્વે જ જિલ્લા પંચાયતનાં ૨૫ સભ્યોએ ભાજપનાં ઈશારે બળવાના માર્ગે પ્રયાણ કર્યું છે. કોંગ્રેસના મોટાભાગના સભ્યોમાં પ્રમુખપદે ખાટરીયાની પસંદગી થતા નારાજગી ઉદભવી હતી.
અલ્પાબેન ખાટરીયાએ પ્રમુખપદ સંભાળતાની સાથે જ જિલ્લા પંચાયતમાં અનેક સભ્યોમાં હલચલ જોવા મળી હતી. બાદમાં ભાજપે હાથ લંબાવતા કુલ ૨૫ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી આરંભી દીધી હોવાનુ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
જિલ્લા પંચાયત પ્રમુખના શાસનને ઉથલાવવા ભાજપના ઈશારે સમગ્ર ખેલ પાર પાડવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલાની જાણ થતા પ્રમુખ બંગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, ધારાસભ્ય લલિત કગથરા અને અર્જુનભાઈ ખાટરીયા તેમજ અન્ય ૬ સભ્યોએ એકઠા થઈને ડેમેજ કંટ્રોલના પ્રયત્નો હાથ ધર્યા હતા.
પરંતુ આ પ્રયત્નો નિષ્ફળ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.ફરી બપોરે જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે ખાટરીયા સહિતના કુલ ૧૫ સભ્યો એકત્ર થયા હતા. ઉપરાંત અર્જુન ખાટરીયાએ દાવો કર્યો હતો કે તેઓ સાંજ સુધીમાં ૧૯ સભ્યોને એકઠા કરી દેશે. આ અંગે ભાજપના અગ્રણીએ જણાવ્યું કે, ભાજપ પ્રત્યેની લાગણીને કારણે જિલ્લા પંચાયતનાં ૨૫ સભ્યો ભાજપમાં આવ્યા છે. જેમાંના મોટાભાગનાં સભ્યો પહેલા ભાજપમાં જ હતા.
અર્જુન ખાટરીયા સંપર્ક વિહોણા:
જિલ્લા પંચાયતનાં ૨૫ સભ્યોએ બળવાના માર્ગે પ્રયાણ કરી અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી બતાવતા જિલ્લા પંચાયતનાં શાસકો ચિંતામાં મુકાયા છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખના પતિ અને કારોબારી સમિતિના ચેરમેન અર્જુન ખાટરીયાએ મીડિયા સમક્ષ ખુલાસો ન કરવો પડે તે માટે સંપર્ક ટાળી રહ્યા છે. સમગ્ર મામલાને ઢાંકવા માટે હાલ સંપર્ક ટાળવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.