તુફાનમાં જોખમી મુસાફરી

અમરેલીથી ગોધરા શ્રમજીવીઓને લઇ જતી તુફાન જીપને નડયો ગમખ્વાર અકસ્માત

તુફાનની છત પર બેઠેલા દસ મુસાફરો ફુટબોલના દડાની જેમ ફંગોળાયા

ભાવનગરધોલેરા રોડ પર વહેલી સવારે 32 મુસાફરો ભરેલી તુફાન જીપનું ટાયર ફાટતા  ગમખ્વાર અકસ્માત નડયો છે. ગોધરા પંથકના 32 શ્રમજીવીઓને તુફાન જીપમાં ખીચો ખીચ બેસાડી પુર ઝડપે જઇ રહેલી તુફાન ધોરેલાના સાંઢીડા ગામ પાસે પહોચી ત્યારે ટાયર ફાટતા મુસાફરો ફંગોળાયા હતા. 32 પૈકી 25 મુસાફરો ઘવાયા હતા જેમાં પાંચની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ગોધરા પંથકના વતની અને અમરેલીના લાઠી અને ઇશ્વરીયા ખાતે ખેત મજુરી કરતા શ્રમજીવી પરિવારની 32 વ્યકિતઓ પોતાના વતન જવા તુફાનમાં સવારી કરી રહ્યા હતા. તુફાન જીપ ધોલેરાના સાંઢીયા ગામ પાસે પહોચી ત્યારે ટાયર ફાટતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા તુફાન નવા બંધાતા ઓવર બ્રીજના પીલર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

શ્રમજીવી પરિવારની દસ વ્યક્તિઓ તુફાન જીપની છત પર બેસી જોખમી મુસાફરી કરી રહ્યા હતા. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં એક સાથે 25 જેટલી નાની મોટી વ્યકિતઓ  ઘવાતા પોલીસે 108ની મદદથી ભાવનગર હસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતના કારણે હાઇ-વે પર ટ્રાફિક જામ થતા પોલીસે મહામહેનતે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતના કારણે તુફાન જીપ ભાંગીને ભુકો થઇ ગઇ હતી. ધોલેરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સરવૈયાએ તુફાન જીપના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.