7 જૂનના રોજ રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર દ્વારા ખૂબ પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. વાવણીથી લઇ વેચાણ સુધીની દરેક પ્રક્રિયામાં સરકાર દ્વારા દરેક પગલે ખેડૂતને પ્રોત્સાહન અને સહાય આપવામાં આવી રહી છે. ત્યારે સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવી વિચારધારા થકી હાલ જામનગરના ખેડૂતો પણ સમૃદ્ધિ તરફ ડગ માંડી રહ્યા છે.
જામનગરના લાલપુર તાલુકાના ચાર ગામ ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના 25 ખેડૂતો પોતાની 324 વીઘા જેટલી જમીન પર સમુહખેતીના વિચાર સાથે ખેતી કરી રહ્યા છે. આ 25 ખેડૂતો પોતાના ખેતરોમાં તરબૂચ અને અન્ય બાગાયતી પાકોની ખેતી કરી પ્રતિ વીઘા 50 હજારથી વધુ નફો મેળવી રહ્યા છે. સમૂહના કોઈ પણ ખેડૂતને વાવણીથી વેચાણ સુધીમાં કોઈ પણ માર્ગદર્શન, સહાયની જરૂર હોય તો આ સમૂહ એકબીજાને તેમાં મદદરૂપ બને છે.
આ સમૂહ પોતાના સમૂહના કોઈપણ ખેડૂતને ખેતીમાં પડતી કોઈપણ મુશ્કેલી, મૂંઝવતા પ્રશ્નો કે સરકારની યોજનાઓની માહિતી, તે અંગે માર્ગદર્શન મેળવવાથી લઈ વેચાણ દરમિયાન વ્યાપારીઓની મુલાકાત, સારા ભાવ મેળવવા અંગે પણ એકબીજાને મદદરૂપ બને છે. આ સમૂહના ખેડૂતો આધુનિક ખેત પદ્ધતિ અને સાધનો જેવા કે ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, ક્રોપ કવરનો ઉપયોગ કરી પાણીની બચત, નિંદામણની અટકાયત, જીવાત નિયંત્રણનો લાભ મેળવી રહ્યા છે.
મલ્ચીંગ વિશે જણાવતા આદમભાઈ સપીયા કહે છે કે, ‘તરબૂચના પાકમાં જમીનમાંથી ભેજનું પ્રમાણ ખૂબ અગત્યતા ધરાવે છે. ત્યારે મલ્ચીંગ દ્વારા ઓછા પાણીએ જમીનમાં ભેજ જળવાય છે. પાકને જરૂરિયાત સમયે આ ભેજનો લાભ મળી રહે છે. સાથે જ આ વર્ષે અનેક વિસ્તારોમાં તરબૂચમાં ફૂગજન્ય રોગ જોવા મળેલ છે, જે મલ્ચીંગના કારણે અમારા સમૂહના ખેડૂતોના તરબૂચના પાકમાં લાગી શક્યો નથી. મલ્ચીંગના કારણે નિંદામણ પણ ખૂબ ઓછું થઇ જાયા છે. આમ મલ્ચીંગ પાકની સાચવણીને અને તેના વિકાસ બંને માટે ફાયદાકારક છે.’
ક્રોપ કવરના લાભ વિષે જણાવતા અશરફભાઇ સપીયા કહે છે કે, ‘ક્રોપ કવર દ્વારા ખેડૂતને વીઘે આઠ હજાર જેટલો જંતુનાશક દવાઓનો ખર્ચો બચે છે. જીવાત નિયંત્રણ માટે ક્રોપ કવર મીની ગ્રીનહાઉસ જેવું કામ આપે છે. આબોહવાના ફેરફારો સમયે પણ પાકની જાળવણી કરવામાં મદદરૂપ બને છે. તદુપરાંત જંતુનાશક દવાઓનો છંટકાવ ઘટતા લોકોને વધુ ગુણવત્તાલક્ષી પાક મળે છે. ક્રોપ કવરના કારણે ઉત્પાદનમાં પણ અમને 2 થી 4 ટનનો વધારો મળ્યો છે. વળી સરકાર દ્વારા પણ બાગાયત વિભાગની ક્રોપ કવર માટેની 50 ટકા જેટલી સબસિડી ઉપલબ્ધ હોવાથી ખેડૂતને પાકની ઉત્પાદન પ્રક્રિયાના ખર્ચમાં અને ગુણવત્તામાં બંનેમાં ખૂબ જ ફાયદો મળી રહે છે.
મલ્ચીંગ અને ક્રોપ કવરના ફાયદાથી આ સમૂહના ખેડૂતોને એક વીઘાએ 7 થી 8 ટન જેટલા તરબૂચનું ઉત્પાદન મળ્યું છે. આ સમગ્ર પાક સુરત, અમદાવાદ, ડીસા, પોરબંદર, જામનગર, જુનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં વેચાણ કરવામાં આવે છે.
આ સમૂહ દ્વારા તરબૂચ, ટેટી ઉપરાંત મરચાં, ટામેટાં, રીંગણ, કાકડી વગેરે જેવા શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. હાલ સુધીમાં આ સમૂહ દ્વારા 65થી 70 હજાર ટન તરબૂચનું વેચાણ કરવામાં આવેલ છે. આ સમૂહના ખેડૂતો પોતાની સમૃદ્ધિનો શ્રેય સરકારની વિવિધ યોજનાઓને આપે છે. આ સમૂહ દ્વારા સરકારની બાગાયત વિભાગની પાણીના ટાંકા, ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, ગ્રો કવર, પેકિંગ વગેરેને લગતી સહાયનો લાભ લેવામાં આવેલ છે.
ધરતીપુત્રોના પરિશ્રમ અને ધરતીપુત્રોની સતત પડખે રહેનાર સંવેદનશીલ અને દૂરંદેશી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિર્ણયોના સમન્વયથી જ ગુજરાતના કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ, વિકાસ અને ગુણવત્તાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.